GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં રખાયા

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં આગોતરી તૈયારીઓ

નોડલ અધિકારીશ્રીઓ દ્વારા તાલુકાની ટીમ સાથે તાકીદની બેઠક યોજી સૂચનાઓ અપાઈ

નીચાણવાળા વિસ્તારોની મુલાકાતો લેવાઈ, સ્થળાંતરની આગોતરી તૈયારી તેમજ આશ્રયસ્થળો તૈયાર રખાયાં

Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદની સ્થિતિમાં વિવિધ તાલુકાઓમાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી નોડલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ, આ નોડલ અધિકારીઓ આજે પોતાને ફાળવાયેલા તાલુકાઓમાં પહોંચી ગયા હતા અને મામલતદાર સહિત તાલુકાના ડિઝાસ્ટર સ્ટાફ સાથે મિટિંગ યોજી હતી.

રાજકોટ તાલુકા, કોટડાસાંગાણી, પડધરી, જસદણ, જામકંડોરણા સહિતના તાલુકાઓમાં નોડલ અધિકારીઓ દ્વારા ‘તાલુકા ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ પ્લાન’ની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સ્થિતિમાં સંભવિત જોખમોનું આગોતરું આકલન કરીને, સંભવિત સ્થળાંતર, આશ્રયસ્થાનો સહિતની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાલુકાના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને ૨૪x૭ એલર્ટ મોડ પર રહેવા કડક આદેશો આપવામાં આવ્યા છે.

તાલુકાના નીચાણવાળા વિસ્તારો પર સતત દેખરેખ રાખવા અને જરૂર પડ્યે નાગરિકોને ત્વરિત સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવા સૂચના અપાઈ હતી. તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને પણ ૨૪ કલાક ફરજ પર હાજર રહેવા અને સ્થાનિકોને ભારે વરસાદ અંગે જાગૃત કરવા અને જરૂર વગર બહાર ન નીકળવા વિનંતી કરવા જણાવાયું છે.

ઉપરાંત ગામડાઓમાં શાળાઓ, સમાજની વાડીઓમાં શેલ્ટર હોમની વ્યવસ્થા ચકાસી લેવા અને ત્યાં જરૂરી તમામ આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રાખવાની સૂચના અપાઈ છે. આરોગ્યલક્ષી પૂર્વતૈયારીના ભાગરૂપે દરેક ગામે જરૂરી મેડિકલ કિટ સાથે એક આરોગ્ય ટીમ હાજર રાખવા અને એમ્બ્યુલન્સ તથા દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા આયોજન કરાયું છે.

વરસાદ દરમિયાન તળાવો કે ડેમ ઓવરફ્લો થવાના સ્થળે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ વિભાગને જરૂરી બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી છે. વધુમાં, માર્ગ અને મકાન વિભાગને ભારે પવનથી પડી શકે તેવા હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરવા, ઝાડ કે વીજપોલ પડે તો રસ્તા ખુલ્લા કરવા જેસીબી અને ડમ્પર તૈનાત રાખવા તેમજ વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા જાળવી રાખવા આદેશ કરાયા છે.

સ્થળાંતરની સ્થિતિમાં એસ.ટી. ડેપો અને સ્કૂલ બસોના ડ્રાઈવરો સાથે પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ ફૂડ પેકેટ માટે સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન સાધવા જણાવાયું છે.

વિવિધ તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારોની મુલાકાતો લઈને સ્થાનિક નાગરિકોને સાવધ રહેવા તથા ભારે વરસાદની સ્થિતિમાં સ્થળાંતર કરવા સહિતની સમજૂતિ પણ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!