નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર એક્શનમાં: ૧૧૪ ગામોના ૬,૯૮૪ લોકોનું સ્થળાંતર, બીચ બંધ, શાળા-કોલેજોમાં રજા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


જિલ્લામાં સતત વરસાદ અને દરિયાકાંઠે ઊંચા મોજાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને જલાલપોર તાલુકાના ઉભરાટ બીચ, દાંડી બીચ, ઓંજલના ચાંગલી ફળીયા બીચ તેમજ સી-ફેસ વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એન. લિખિયાના જાહેરનામા મુજબ આ પ્રતિબંધ ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને દરિયાકિનારાની મુલાકાત ટાળવા, પાણીમાં પ્રવેશ ન કરવા તેમજ તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.
ભારે વરસાદ અને પૂર જેવી સંભાવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. શુક્રવારે સાંજે ૭ વાગ્યા સુધી જિલ્લામાં આવેલા ૧૧૪ ગામો, નવસારી મહાનગરપાલિકા અને બે નગરપાલિકા વિસ્તારોમાંથી કુલ ૬,૯૮૪ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમાં ૩૦ જુલાઈના રોજ સ્થળાંતર કરાયેલા ૧,૫૨૪ લોકો અને ૩૧ જુલાઈએ નવા સ્થળાંતર કરાયેલા ૫,૪૬૩ લોકોનો સમાવેશ થાય છે.
ગણદેવી તાલુકાના તોરણગામ, દેવધા, ઊંડાચ, ખખવાડા અને અજરાઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દેવધા ગામમાં રહેતા માત્ર ૩૦ દિવસના નવજાત બાળક અને તેની માતાને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષિત રીતે અમલસાડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કાવેરી નદીમાં જળસ્તર વધતાં પ્રતાપનગર ગામના પારસી ફળિયા, નદી ફળિયા અને ટેકરા ફળિયામાં રહેતા ૬૦ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે જલાલપોર તાલુકાના વાડા ગામના કરોડીવાસ વિસ્તારમાંથી કુલ ૧૪૬ નાગરિકોને શેલ્ટર હોમમાં ખસેડી તેમના માટે ભોજન, પીવાનું પાણી, આરોગ્ય અને રહેઠાણ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિનિયર સિટીઝન્સ, સગર્ભા મહિલાઓ, નવજાત બાળકો, દિવ્યાંગજનો અને અન્ય સંવેદનશીલ વર્ગના લોકોની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમલસાડ અને સરીખુર્દ ખાતે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનોની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અને ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટરે મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન અમલસાડમાં તૈનાત આર્મીની ટીમ સાથે સંવેદનશીલ વિસ્તારો અને સંભવિત રાહત-બચાવ કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની પાસેથી સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ત્યાંના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી આંતરજિલ્લા સંકલન મજબૂત રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
આ દરમિયાન જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આગામી ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નવસારી જિલ્લાના તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ‘સચેત (SACHET)’ મોબાઈલ એપ ડાઉનલોડ કરી અધિકૃત ચેતવણીઓ મેળવવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ, ગાજવીજ, પૂર અને અન્ય આપત્તિ સમયે સમયસર મળતી માહિતી જાનમાલની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
જિલ્લા કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા, નદી-નાળા અને દરિયાકાંઠા નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.


