GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા ગોંડલ તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાત

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા કરી તાલુકા તંત્રને સતર્ક રહેવા સૂચના; નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરકશ્રીની અપીલ

Rajkot, Gondal: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આજે ગોંડલ તાલુકા સેવા સદનની અચાનક મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે સૌપ્રથમ તાલુકા સેવા સદન ખાતે રેવન્યુ તલાટી કચેરીની મુલાકાત લીધી હતી. દરમિયાન ગોંડલ ગ્રામ્ય તલાટી ગ્રુપના ‘એપેન્ડિક્સ-એ’ રજિસ્ટરની ચકાસણી કરી હતી તેમજ ગ્રામ દફતરની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામગીરીની ગુણવત્તા, દસ્તાવેજોની જાળવણી અને રેકોર્ડ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.

કલેક્ટરશ્રીએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તાલુકા સેવા સદન ખાતે કાર્યરત વિશેષ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. અહીં લાયઝન અધિકારીઓ પાસેથી વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ, બચાવ અને રાહત વ્યવસ્થા, સંચાર વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે દરેક અધિકારીને સતર્ક રહી સંકલનપૂર્વક કામગીરી કરવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.

આ તકે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે સ્ટાફને સૂચના આપતા જણાવ્યું હતું કે, વરસાદની આગાહી સંદર્ભે આગામી ૨૪થી ૪૮ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી સવારે તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ના લક્ષ્ય સાથે સંપૂર્ણ સજ્જ છે અને માનવજીવન તેમજ સંપત્તિના નુકસાનને અટકાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!