રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ મોરબીમાં સૌથી વધુ 8.31 ઇંચ (211 મિમી) વરસાદ ખાબક્યો !!!

શનિવારે સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેમાં મોરબી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત રહ્યો હતો, મોરબી તાલુકામાં સૌથી વધુ 8.31 ઇંચ (211 મિમી) વરસાદ ખાબક્યો હતો, જ્યારે તેના જ ટંકારા તાલુકામાં 6.73 ઇંચ, હળવદમાં 6.3 ઇંચ અને માળિયામાં 4.61 ઇંચ, મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર હેત વરસાવ્યું હતું, જેમાં ધ્રાંગધ્રા તાલુકામાં 6.93 ઇંચ, વઢવાણમાં 6.18 ઇંચ, લખતરમાં 4.49 ઇંચ અને મુળીમાં 3.66 ઇંચ પાણી વરસી ચૂક્યું હતું. આ તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં 4.17 ઇંચ અને ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 3.94 ઇંચ જેટલો વરસાદ નોંઘાયો છે.
સુરતના અબ્રામા, વેલંજા, અમરોલી, ઉમરા અને કઠોરના નીચાણવાળા વિસ્તારોમાંથી 240થી વધુ લોકોનું વેલંજા પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરાયું છે, જ્યાં ભોજન અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. બીજી તરફ, મોટા વરાછા પાસે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી રિવર સાઇડ રોડ 40 મીટર ધસી જતાં બેરિકેડિંગ કરી 300 જેટલાં વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરાયા છે.
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત રાતથી વરસી રહેલા વરસાદને પગલે ઠેબી ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની નિર્ધારિત સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.3 મીટર ખોલવામાં આવ્યો છે. પાણી છોડાતાં અમરેલી, પ્રતાપપરા, ફતેપુર અને ચાપાથળ ગામોને ઍલર્ટ કરી નદીપટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હથનૂર ડેમના 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત પ્રકાશા ડેમના પણ 4 દરવાજા પૂરેપૂરા અને 19 દરવાજા અડધા ખોલીને પાણી વહાવવામાં આવી રહ્યું છે. ઉપરવાસના બંને જળાશયોમાંથી સતત છોડાઈ રહેલા આ પ્રવાહને પગલે તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર નવી આવક નોંધાઈ રહી છે.
વરસાદની વર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગની ચેતવણીને પગલે રાજ્યના 6 જિલ્લાઓમાં (અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ સહિતના અન્ય 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરીને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા 17 NDRF ની ટીમો, 33 SDRF ની પ્લાટુન અને 6 આર્મીની ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મોટા પાયે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં કુલ 27856 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લામાંથી 11590 અને સુરતમાંથી 11179 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા કુલ 53 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં છોટાઉદેપુરમાંથી સૌથી વધુ 31 લોકોને બચાવાયા છે.









