
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – હિંમતનગર લોન ભરવા ગયેલો શણગાલનો યુવક રહસ્યમય રીતે ગુમ, હાઈવે પર કાર મળી આવતા ચકચાર – ઘટનાના 2 દિવસ પછી પણ હજુ લાપતા યુવક ..!!!
મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામના 29 વર્ષીય યુવક રહસ્યમય રીતે ગુમ થતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે. યુવક હિંમતનગર કાર લોનની ભરપાઈ અને હોમ લોનના દસ્તાવેજો આપવા માટે નીકળ્યો હતો, પરંતુ સ્થળે પહોંચ્યો જ નહીં.
મળતી માહિતી મુજબ, શણગાલ ગામના મૌલિક રમણભાઈ પંચાલ, જે મોડાસા ખાતે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે, તેઓ તા. 31 જુલાઈના રોજ બપોર બાદ મોડાસાથી હિંમતનગર જવા માટે નીકળ્યા હતા. કલાકો વીતી ગયા છતાં તેઓ હિંમતનગર પહોંચ્યા ન હોવાથી પરિવારજનોએ તેમના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતાં પરિવારની ચિંતા વધી હતી.પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં હિંમતનગર હાઈવે પર બેરણા અને કાંકણોલ ગામ વચ્ચે તેમની અલ્ટ્રોઝ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર મળી આવતાં પરિવાર અને સગા-સંબંધીઓએ સમગ્ર વિસ્તારમાં રાતભર શોધખોળ કરી, પરંતુ મૌલિકનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો.
ત્યારબાદ આસપાસના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી, પરંતુ તેમાંથી પણ કોઈ મહત્વની માહિતી હાથ લાગી નથી. જેના કારણે યુવક ગુમ થયો છે કે પછી તેના અપહરણની કોઈ ઘટના બની છે તે અંગે અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.ઘટનાના 2 દિવસ વિતવા આવ્યા છતાં હજુ સુધી યુવક લાપતા હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે હાલ પરિવાર પોલીસ પાસે માંગ કરી રહ્યો છે કે ઝડપથી પોતાનો દીકરા શોધવામાં આવે આ સમગ્ર મામલે મૌલિકના ભાઈ નરેશ પંચાલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપી, યુવકને શોધી કાઢવા માટે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. હાલ પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.





