GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “ઝંડા ઊંચા રહે હમારા” ૮૦મા સ્વાતંત્રતા પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટના હસ્તે આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાયો

તા.૧૬/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિસભર માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની શહેરકક્ષાની ઉજવણી: જનતાએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સથવારે ત્રિરંગાને સલામી આપી

તિરંગો દેશભક્તોનું બલિદાન, સૈનિકોની શૌર્યગાથા, સંતોનું તપ, ખેડૂતોનો પરિશ્રમ, વૈજ્ઞાનિકોની પ્રતિભા અને ૧૪૦ કરોડ ભારતીયોની આશાનું પ્રતીક છે

રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાનું પ્રારંભિક ઘડતર અને સંસ્કાર રાજકોટની ભૂમિ પરથી મેળવ્યા હતા અને આજે સમગ્ર વિશ્વ ગાંધીજીના સંસ્કારો ઝીલી રહ્યું છે

દેશ સેવામાં ક્યારેય થાકીશું નહીં અને ભારતના વિકાસ માર્ગ પરથી ક્યારેય ભટકીશું નહીં

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ૪૦થી વધુ સરકારી કર્મયોગીઓનું સન્માન: પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કરાયું

Rajkot: રાજકોટમાં આવેલી ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં ૮૦મા સ્વાતંત્રતા પર્વની શહેરકક્ષાની ઉજવણી ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ ગૌરવવંતા પ્રસંગે રાજકોટ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટના હસ્તે આન-બાન-શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ તકે જનતાએ રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રગાનના સથવારે તિરંગાને સલામી આપી રાષ્ટ્ર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજારોહણ બાદ નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટે પરેડ કમાન્ડર પી.એસ.આઈ. શ્રી એમ. ડી. દેવમુરારી સાથે મળીને ગુજરાત પોલીસ, હોમગાર્ડ્ઝ તેમજ એન.સી.સી. ગર્લ્સ કેડેટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અઢીસો વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહજી અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન નેતાઓના નેતૃત્વ હેઠળ હજારો ભારતીયોના બલિદાન અને ત્યાગના પરિણામે આપણને મહામૂલી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. આજે આકાશમાં લહેરાતો આપણો તિરંગો માત્ર ત્રણ રંગ નથી, પરંતુ તે આપણા દેશભક્તોનું બલિદાન, સૈનિકોની શૌર્યગાથા, સંતોનું તપ, ખેડૂતોનો પરિશ્રમ, વૈજ્ઞાનિકોની પ્રતિભા અને ૧૪૦ કરોડ ભારતીયોની આશાનું પ્રતીક છે. આઝાદી સમયે દેશ સામે અનેક પડકારો હતા પરંતુ ‘વિવિધતામાં એકતા’ના બળે આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે.

ભારતીય પ્રાચીન વિરાસતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ ષડદર્શન, ખગોળ શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, આયુર્વેદ અને યોગના માધ્યમથી વિશ્વને જીવવાની શૈલી શીખવી હતી. મહર્ષિ આર્યભટ્ટ દ્વારા શોધાયેલી શૂન્ય અને દશાંશ પદ્ધતિથી લઈને મોહેં-જો-દડો અને લોથલના આધુનિક શહેરીકરણ સુધીની આપણી ધરોહર અજોડ રહી છે. આજે ભારત પોતાની વિરાસત જાળવીને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

રાજકોટનો મહિમા ગાન કરતા તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાનું પ્રારંભિક ઘડતર અને સંસ્કાર રાજકોટની ભૂમિ પરથી મેળવ્યા હતા અને આજે સમગ્ર વિશ્વ ગાંધીજીના સંસ્કારો ઝીલી રહ્યું છે. આવી ગૌરવવંતી ભૂમિ પરથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવી એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણે એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જ્યાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે, ખેડૂતો સમૃદ્ધ બને અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમાન તક સાથે નેતૃત્વ કરે. આ તકે તેમણે વિદ્યાર્થીઓને દેશનું ભવિષ્ય ગણાવી ઈમાનદારી, નવીનતા અને જવાબદારીની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.

અંતમાં, તેમણે દરેક નાગરિકને શિસ્તબદ્ધ બની ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સ્વચ્છતા જાળવવા, વડીલોનું સન્માન કરવા અને ભારતના બંધારણનું પાલન કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમજ તેમણે સંકલ્પ કરતા કહ્યું હતું કે, સત્યથી ક્યારેય ખસીશું નહીં, એકતામાં ક્યારેય તૂટીશું નહીં, દેશ સેવામાં ક્યારેય થાકીશું નહીં અને ભારતના વિકાસ માર્ગ પરથી ક્યારેય ભટકીશું નહીં.

આ અવસરે વિવિધ શાળાઓના ૧૦૦થી વધુ બાળ કલાકારોએ જયતુ જયતુ ભારતમ્, ઇતિહાસ કા આઇના, તલવારો પે સર વાર દીયે, સુજલામ્ સુફલામ્ જેવા દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરતા સમગ્ર માહોલ રાષ્ટ્રપ્રેમસભર બન્યો હતો.

આ વેળાએ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટે માતૃભૂમિની આઝાદી માટે યોગદાન આપનારા ૧૦ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોની પાસે જઈને તેમનું સુતરની આંટીથી બહુમાન કર્યું હતું. આ સાથે વિવિધ સરકારી કચેરીઓના ૪૨ અધિકારીઓ-કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.

આ અવસરે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને ભારત માતાના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ પર્યાવરણ જતન અર્થે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ તકે મામલતદાર સર્વે શ્રી નીતેશભાઈ પંડ્યા, શ્રી રાજેન્દ્રસિંહ સરવૈયા અને શ્રી નિલેશભાઈ અજમેરા સહિત નાયબ મામલતદારો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!