GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો : રાજ્ય શાળા સંચાલક મહામંડળ

નાના બાળકોમાં વધતા જતા ગંભીર રોગો અને કથળતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓની કેન્ટીન તેમજ શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ, પેકેટ ફૂડ અને વધુ પડતા તેલ-ખાંડવાળા ખાદ્યપદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં શાળાઓની 50 મીટર ત્રિજ્યામાં મુકાયેલા પ્રતિબંધનો હવાલો આપીને, ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રાખવા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની હિમાયત કરી છે. મહામંડળનું માનવું છે કે, વિદ્યાર્થીઓ 3 વર્ષની નાની ઉંમરે શાળામાં પ્રવેશે છે અને 18 વર્ષની વય સુધીનો તેમનો સૌથી મહત્ત્વનો સમય અહીં વિતાવે છે, જ્યાંથી જ તેઓ આહાર અને જીવનશૈલીની કાયમી આદતો ગ્રહણ કરે છે. આથી, શારીરિક નુકસાન પહોંચાડતા જંક ફૂડને બદલે કેન્ટીનોમાં પૌષ્ટિક અને સાત્વિક આહાર મળવો જોઈએ.

બાળકોના ભવિષ્યના ઘડતર માટે આધુનિક નાસ્તાને સ્થાને અગાઉની જેમ જ સીંગ, ચણા, મમરા અને સેવ જેવા દેશી તથા પૌષ્ટિક આહારને ફરીથી શરૂ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાને પારદર્શક અને અસરકારક બનાવવા માટે મહામંડળે સરકાર પાસે એક કડક SOP તૈયાર કરવાની માંગ કરી છે. આ સૂચન અનુસાર, શાળાની તમામ કેન્ટીનોનું સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ.

બાળકોને કેન્ટીનમાં શું પીરસવામાં આવે છે તેની સમયાંતરે સત્તાવાર તપાસ થવી જોઈએ અને જાગૃત વાલીઓની ટીમ પણ આ પ્રક્રિયામાં સીધી દેખરેખ રાખે તે હિતાવહ છે. જો કોઈ શૈક્ષણિક સંસ્થા આ નિયમો અને SOPનું પાલન ન કરે, તો તેની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!