ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદની સેન્ટ સિરિલ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

આણંદની સેન્ટ સિરિલ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

 

તાહિર મેમણ / આણંદ / 15/08/2026 – આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી સેન્ટ સિરિલ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સંચાલક જુલિયસ સી. ડાભી, ડોલી જે. ડાભી તથા પ્રિન્સિપાલ સુરભી પી. દાવલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સ્વાતંત્ર્ય દિવસના આ પાવન પ્રસંગે શ્રીમતી નમ્રતા કે. ક્રિશ્ચિયન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ દેશ પ્રત્યે પોતાની આદર અને ગૌરવની ભાવના વ્યક્ત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું.

 

ધ્વજવંદન બાદ શ્રીમતી નમ્રતા કે. ક્રિશ્ચિયને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે બાળકોમાં નાનપણથી જ દેશભક્તિ, દેશપ્રેમ અને પોતાના દેશ પ્રત્યે સન્માનની ભાવના વિકસે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. દેશના વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અને જવાબદારી વિશે પણ બાળકોને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત ભારતના સંવિધાન પ્રત્યે સન્માન અને તેના મૂલ્યોનું મહત્વ સમજાવતા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન આપી શિક્ષિત અને જવાબદાર નાગરિક બની દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્ટ સિરિલ સ્કૂલ દ્વારા યોજાયેલી આ ઉજવણી વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે ગૌરવ, જવાબદારી, શિસ્ત અને શિક્ષણ પ્રત્યે જાગૃતિની ભાવના વિકસાવવાનો સુંદર પ્રયાસ બની રહી હતી.

Back to top button
error: Content is protected !!