NAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના પાટા ફળિયામાં ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી ઉજવાયો

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ભવ્ય ધ્વજવંદન સાથે દેશભક્તિના રંગે રંગાઈ પાટા ફળિયું, બાઈક રેલીમાં ગુંજ્યા ભારત માતાના જયઘોષ

વાંસદાના પાટા ફળિયામાં દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રભક્તિના ઉમંગ અને ઉત્સાહ વચ્ચે આયોજિત કાર્યક્રમમાં વાંસદા તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્માના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું આયોજન વાંસદા આદિવાસી યુવા ગ્રુપ તથા પિયુષભાઈ કે. પટેલ, ડૉ. લોચન શાસ્ત્રી અને સરપંચ ગુલાબભાઈ ભાયલુભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પાટા ફળિયાથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા સાથે નીકળેલી બાઈક રેલી વાંસદા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલી દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગાની આન-બાન-શાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

બાઈક રેલીને સફળ બનાવવા વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાતા કાર્યક્રમનું આકર્ષણ વધ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પાટા ફળિયામાં યોજાયેલી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને યુવા શક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!