નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો : સુપ્રીમ કોર્ટ

તહેવારો અને રજાઓ દરમિયાન હવાઈ ટિકિટના ભાડામાં અચાનક થતા આડેધડ વધારા અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, જો એરલાઇન્સ નિયમોનું પાલન ન કરતી હોય તો તેમની ઉડાનો જ રોકી દેવી જોઈએ. તહેવારોના સમયે હવાઈ ભાડા વધારવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, મુસાફરોના હિતમાં જે વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે, તેના પાલન અને નિયમન અંગે હાલ ચિત્ર સ્પષ્ટ નથી.
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ(ASG) અનિલ કૌશિકે કોર્ટને જણાવ્યું હતું કે, હવાઈ ભાડા અને ચાર્જિસ સંબંધિત નિયમો બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, અને તેને પૂર્ણ થવામાં 3 અઠવાડિયાનો સમય લાગશે. સુપ્રીમ કોર્ટે 3 અઠવાડિયાનો સમય આપતા આ મામલે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બર 2026ના રોજ નક્કી કરી છે.
અરજીકર્તા સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્મીનારાયણને કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ખાનગી એરલાઇન્સ અન્યાયી રીતે હવાઈ ભાડા નક્કી કરે છે, અને વધારાના ચાર્જિસ વસૂલે છે. તેમણે સ્પષ્ટ નિયમો બનાવવા અને તેના પાલન માટે એક રેગ્યુલેટરી બોડી(નિયામક સંસ્થા) બનાવવાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ સંસદમાં કહ્યું છે કે ‘અમે કંઈ કરી શકતા નથી અને કોઈ કેપિંગ(મર્યાદા) લગાવી શકતા નથી.’ અગાઉની સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, એરલાઇન્સ દ્વારા મનસ્વી રીતે દરો નક્કી કરવા એ મુસાફરોનું શોષણ કરવા સમાન છે, અને સરકારે મુસાફરોને રાહત આપવા પગલાં ભરવા જોઈએ.




