BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: ઈદે મિલાદ અને છડી નોમના મેળાને લઈ ભરૂચ નગરપાલિકા વિપક્ષની રજૂઆત, સુવિધાઓ સુદૃઢ કરવાની માંગ

સમીર પટેલ, ભરૂચ

ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે યોજાનારા પરંપરાગત જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન યોજાનારા મેઘરાજાના છડી નોમના મેળા સહિતના ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્ય સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા,ઝુબેર પટેલ, ઈમરાન પટેલ સહિતના સભ્યોએ આજે મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી જરૂરી નાગરિક સુવિધાઓ તાત્કાલિક સુદૃઢ કરવાની રજૂઆત કરી હતી.

વિપક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે, આગામી તા. 26 ઓગસ્ટે ઈદે મિલાદુન્નબીનો જુલુસ યોજાનાર છે. સાથે જ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી, છડી નોમ સહિતના વિવિધ ધાર્મિક તહેવારો ઉજવાશે. આ પ્રસંગોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોવાથી સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સહિતની નાગરિક સુવિધાઓ યોગ્ય રાખવી જરૂરી છે.

આવેદનપત્રમાં જુલુસ તથા છડી નોમના મેળાના રૂટ પર વિશેષ સફાઈ કરાવી કચરાનો તાત્કાલિક નિકાલ કરવા,રસ્તા પરના ખાડાઓ નું પેચવર્ક કરવા તેમજ તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવા માંગ કરવામાં આવી હતી.જરૂરિયાતવાળા વિસ્તારોમાં ફોક્સ લાઇટની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત ગટર-ડ્રેનેજની સફાઈ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, રસ્તા અને ફૂટપાથની મરામત, જોખમી ઝાડો તથા ડાળીઓનું કટિંગ,જરૂરી વિસ્તારોમાં ફોગિંગ અને એન્ટી- લાર્વા દવાનો છંટકાવ તેમજ રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી કરવા માંગ કરવામાં આવી હતી.ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોઈ તાત્કાલિક સમસ્યા ઊભી થાય તો ઝડપી કામગીરી થઈ શકે તે માટે વીજળી, પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવા પણ વિપક્ષે રજૂઆત કરી હતી.

વિપક્ષના સભ્યોએ ખાસ કરીને તા. 26 ઓગસ્ટના ઈદે મિલાદના જુલુસના તમામ નિર્ધારિત રૂટ તેમજ નાગરિકો દ્વારા રજૂઆતો કરાયેલા વિસ્તારોમાં સફાઈ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને ફોગિંગ સહિતની કામગીરી જુલુસ પૂર્વે પૂર્ણ કરવાની માંગ કરી હતી. સાથે જ છડી નોમના મેળા, જન્માષ્ટમીના રૂટ, મંદિરો તથા અન્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું.

ઈદે મિલાદુન્નબીનો જુલુસ તેમજ શ્રાવણ માસના ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા તમામ કામગીરીને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી વિપક્ષે અપેક્ષા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!