MORBI:મોરબીના યુવા આગેવાન આર્યન ત્રિવેદીએ શૈક્ષણિક કીટ વિતરણ કરી ૨૫મા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

MORBI:મોરબીના યુવા આગેવાન આર્યન ત્રિવેદીએ શૈક્ષણિક કીટ વિતરણ કરી ૨૫મા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી
‘સેવા પરમો ધર્મ’ ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર મોરબીના જાણીતા યુવા આગેવાન આર્યન ત્રિવેદીના ૨૫મા જન્મદિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયક સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. અનેક સામાજિક અને સેવાકીય સંગઠનો સાથે જોડાઈને સમાજસેવાના કાર્યોમાં સદાય સક્રિય રહેતા આર્યન ત્રિવેદીએ પોતાના જન્મદિવસને આડંબર વગર, સમાજ ઉપયોગી કાર્ય કરીને ઉજવવાનો નિશ્ચય કર્યો હતો.
આ નિમિત્તે બોડાસર આંગણવાડી કેન્દ્ર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરતા નાના-નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના શિક્ષણ પ્રત્યે રસ વધે અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી પેન, પેન્સિલ, નોટબુક સહિતની જરૂરિયાત મુજબની તમામ ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.
જન્મદિવસની આવી સરાહનીય ઉજવણી બદલ આંગણવાડીના સ્ટાફ, વાલીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓએ યુવા આગેવાન આર્યન ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.










