
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
જય શ્રી કેદાર મંદિર : કેદારનાથ ધામની પ્રતિકૃતિ,અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામમાં અલૌકિક દર્શનનો અનુભવ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર આજે ભક્તો માટે આસ્થા અને ભક્તિનું એક અદ્ભુત કેન્દ્ર બની ગયું છે. આ મંદિરને કેદારનાથ ધામની પ્રતિકૃતિ તરીકે નિર્માણ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામથી પૂજા-અર્ચના કરીને લાવવામાં આવેલા શિવલિંગને અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ કારણે મંદિરમાં પગ મૂકતાં જ ભક્તોને કેદારનાથ જેવી જ આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય અનુભૂતિ થાય છે.આ મંદિરની સુંદરતા અસાધારણ છે.આ ભવ્ય ઇમારત, સુંદર કોતરકામ, સ્વચ્છ અને શાંત પરિસર તથા આસપાસની હરિયાળી વાતાવરણને વધુ આકર્ષક બનાવે છે. સવારે અને સાંજે જ્યારે આરતી થાય છે ત્યારે ઘંટનાદ, વેદમંત્રો અને ભક્તોના જયકારોથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. શિવલિંગની સામે બેસીને ધ્યાન કરતાં ભક્તોને અલૌકિક શાંતિ અને આંતરિક શુદ્ધિનો અનુભવ થાય છે. ઘણા ભક્તો કહે છે કે મંદિરમાં પ્રવેશ કરતાં જ તેમને કેદારનાથના પવિત્ર વાતાવરણની યાદ આવી જાય છે અને મનમાં અદ્ભુત શાંતિ છવાઈ જાય છે.
ગામના નાગરિકો આ મંદિર વિશે ગર્વથી જણાવે છે કે અહીંના દર્શનથી મનની તમામ વ્યથાઓ દૂર થઈ જાય છે અને જીવનમાં નવી ઊર્જા તથા આશા જાગે છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ મંદિરમાં કરેલી પૂજા-અર્ચના અને મનોકામના સીધી કેદારનાથ સુધી પહોંચે છે. મંદિરની વ્યવસ્થા સ્વચ્છ અને શિસ્તબદ્ધ છે. ભક્તોને આરામ અને સુવિધા મળે તે માટે ગામના લોકો અને મંદિર સમિતિ સતત પ્રયત્નશીલ રહે છે.આ અલૌકિક મંદિર આજે આસપાસના તમામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જે ભક્તો કેદારનાથ જઈ શકતા નથી, તેમના માટે આ મંદિર એક વરદાન સમાન છે. શ્રી કેદાર મંદિરની દિવ્યતા, સુંદરતા અને ભક્તિભાવ જોઈને દરેક ભક્તનું હૃદય ભરાઈ જાય છે અને તેઓ વારંવાર અહીં આવવાની ઇચ્છા રાખે છે.





