GUJARATNANDODNARMADA

રાજપીપળા પાલિકા દ્વારા ગંદકી અને દબાણ સામે કડક કાર્યવાહી : 70 દુકાનદારોને નોટિસ, 40ને દંડ ફટકાર્યો

રાજપીપળા પાલિકા દ્વારા ગંદકી અને દબાણ સામે કડક કાર્યવાહી : 70 દુકાનદારોને નોટિસ, 40ને દંડ ફટકાર્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજપીપળા નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા અને દબાણ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર વૈશાલી વરિયાના નેતૃત્વ હેઠળ પાલિકાની ટીમે દંડ ફટકાર્યો, નોટિસો આપી અને લાયસન્સ વગરની દુકાનો સીલ કરી છે.

ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ રાજપીપળા નગરપાલિકાનો ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસમાં આ કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 70 દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 40 જેટલા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે. એક દુકાનને સીલ પણ કરવામાં આવી છે.

પાલિકાએ શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથ, ચોક અને સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે લારી-ગલ્લા, કેબિન, સ્ટોલ, પાટિયા, બોર્ડ અથવા માલસામાન રાખીને દબાણ કરનારાઓ સામે પગલાં લીધા છે. આવા દબાણકર્તાઓને પાંચ દિવસમાં સ્વયં દબાણ હટાવી લેવા માટે અલ્ટીમેટમ અપાયું છે.જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર નહીં થાય, તો પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેનો ખર્ચ સંબંધિત દુકાનદાર કે દબાણકર્તા પાસેથી વસૂલવામાં આવશે. રાજપીપળાના ગાંધી ચોક પાસે આવેલા આદિત્ય કોમ્પ્લેક્સ સહિત આજુબાજુની દુકાનો અને એક મેડિકલ સ્ટોર સામે પણ પાલિકાએ કાર્યવાહી કરી હતી.

 

જાહેર સ્થળોએ કચરો ફેંકનારા લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં નિયમોનો ભંગ કરનારાઓને સ્થળ પર જ રૂ . 500 થી 1000 સુધીનો દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત, પશુપાલકોને તેમના પશુઓને રસ્તા પર રખડતા ન મૂકવા ચેતવણી અપાઈ છે. જો રખડતા ઢોર જાહેર રસ્તા પર જોવા મળશે તો પાલિકા તેને પકડીને ડબ્બે પૂરવાની કાર્યવાહી કરશે.

 

વર્ષોથી બંધ પડેલી કેબિનો અને ગલ્લાઓના માલિકોને પણ નોટિસો આપી પાંચ દિવસમાં તેમને હટાવવા જણાવાયું છે. જો તેમ નહીં થાય તો પાલિકા તે લારી, ગલ્લા કે કેબિન જપ્ત કરશે અથવા તેનો નાશ કરશે. પાલિકા વિસ્તારમાં પરવાનગી વગર થાંભલાઓ પર લગાવેલા હોર્ડિંગ્સ પણ હટાવી લેવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!