GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જયતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્!.સંસ્કૃતમય બની ગરવી નગરી રાજકોટ: ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ અને ‘સંસ્કૃત સપ્તાહ’નો ઉત્સાહભેર પ્રારંભ

તા.૨૫/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

નવી પેઢી સંસ્કૃત અને સંસ્કૃતિના જતન માટે વધુ સચેત બની રહી છે : જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારીએ : ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહ

સાયન્સ ઇન સંસ્કૃત, પ્રાચીન ગ્રંથો સહિતના વિષયો આધારિત ૧૦ ઝાંખીઓ બની આકર્ષણનું કેન્દ્ર

Rajkot: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની પ્રેરણાથી તેમજ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા-૨૦૨૬’ યોજાઈ હતી.

આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશે આ યાત્રાના આયોજન અંગે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિને ઉજવવાનો સંકલ્પ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન અને આવનારી પેઢી આપણી સંસ્કૃતિ, વારસા અને સંસ્કૃત ભાષાનું રક્ષણ કરવા માટે વધુ જાગૃત અને સચેત બનશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સુંદર કૃતિઓ અને સમગ્ર આયોજનને તેમણે બિરદાવીને ઉપસ્થિત સૌને ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ની શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, સંસ્કૃત એ આપણું મૂળ છે. જે વૃક્ષના મૂળ મજબૂત હોય તે જ વૃક્ષ મજબૂત બને છે, તેમ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિને આત્મસાત કરીને જ આપણે આપણા વારસાનું જતન કરી શકીએ છીએ. તેમણે પોતાના વિદ્યાર્થીકાળનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, તેમણે ધોરણ ૧૦માં કોમ્પ્યુટરના વિકલ્પમાં સંસ્કૃત વિષય પસંદ કર્યો હતો અને ધારાસભ્ય તરીકેના શપથ પણ સંસ્કૃત ભાષામાં લીધા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના દ્રષ્ટિકોણ અંગે તેમણે ઉમેર્યું હતું કે, એ.આઈ.અને કોમ્પ્યુટરના યુગમાં પણ સંસ્કૃત અત્યંત ઉપયોગી ભાષા છે. સંસ્કૃત માત્ર ધાર્મિક પૂજા-પાઠ પૂરતી મર્યાદિત ન રહેતા વ્યવહારમાં પણ અપનાવાય તે આ યાત્રાનો મુખ્ય હેતુ છે.

આ યાત્રાનો પ્રારંભ રૈયા રોડ સ્થિત ન્યુ એરા સ્કૂલથી થયો હતો, જે રૈયા રોડ અને રેસકોર્સથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી હતી. સંસ્કૃત ભાષાના સમૃદ્ધ વારસા અને ગૌરવને ઉજાગર કરતા યુગ અનેક ભાષા એક, સાયન્સ ઇન સંસ્કૃત, સંસ્કૃત એવમ વિજ્ઞાન, પ્રાચીન સંસ્કૃત ગ્રંથો સહિતના વિષયો આવરતા ૧૦ નયનરમ્ય ટેબ્લો યાત્રાનું આકર્ષણ બન્યા હતા. સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો, સુભાષિતો અને સંસ્કૃત ગરબાની મનોહર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંસ્કૃત સુક્તિઓ અને પ્રેરણાદાયી સંદેશાઓ ધરાવતા બેનર્સ સાથે યાત્રા સંસ્કૃતમય બની હતી.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, તથા ઋષિકુમારો દ્વારા યજુર્વેદના મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ન્યુ એરા સ્કૂલ ખાતે સંસ્કૃત વસ્તુ પ્રદર્શિની અને ગ્રંથ પ્રદર્શિની જિલ્લા કલેક્ટરશ્રી સહિતના ઉપસ્થિત મહેમાનોએ નિહાળી હતી.

આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ટીના કલ્યાણ સહિતના અધિકારીશ્રીઓ, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓ, રાજકોટની ખ્યાતનામ શાળા- કોલેજોના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!