GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

તા.૨૫/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ વગરના, ગાડીમાં બ્લેક ફિલ્મ અને એલ.ઈ.ડી લાઈટ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ સખ્ત કામગીરી ચાલુ રહેશે

ડી.સી.પી. ટ્રાફિક શ્રી હરપાલસિંહ જાડેજા

વર્ષ ૨૦૨૬માં અત્યારસુધીમાં ૧,૧૦,૬૦૧ જેટલા કેસમાં રૂ. ૪,૨૮,૮૭,૨૦૦નો દંડ કરવામાં આવ્યો

Rajkot: ટ્રાફિક નાયબ પોલીસ કમિશનરશ્રી હરપાલસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ વગરના વાહન ચાલકો, બ્લેક ફિલ્મ તેમજ સફેદ એલ.ઈ.ડી. લાઈટ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચાલુ રાખી સખ્ત કામગીરી કરવા ડી.સી.પી.શ્રીએ નિર્દેશ આપ્યા હતા.

શ્રી હરપાલસિંહ જાડેજાએ નંબર પ્લેટ ચોખ્ખી વાંચી શકાય તે રીતે લગાડેલી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં કાર કંપની દ્વારા આવતા કાચમાં કોઈપણ પ્રકારની ફિલ્મ ના લગાડવા કાર ચાલકોને ખાસ વિનંતી કરી હતી. ડી.સી.પી.શ્રી દ્વારા કાર એસોસિએશન સાથે કરવામાં આવેલી મિટિંગમાં કાચ પર ફિલ્મનું તથા સફેદ એલ.ઈ.ડી. લાઈટનું વેચાણ નહીં કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. ડી.સી.પી.શ્રીએ રાજકોટ સંલગ્ન હાઇવે પર ગેરકાયદે મીડીયન ગેપ બંધ કરવા તેમજ તોડી નાખતા ઇસમો વિરુદ્ધ સખ્ત કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

માર્ગ સલામતી અર્થે રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૧,૧૦,૬૦૧ જેટલા વિવિધ કેસ કરી રૂ. ૪,૨૮,૮૭,૨૦૦નો દંડ કરવામાં આવ્યો હોવાનું તેમજ ૬૮,૦૩૩ જેટલા ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યાં હોવાનું ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી શ્રી આઈ. સી. ટાંકે જણાવ્યું હતું કે, આર.ટી.ઓ. વિભાગ દ્વારા ૫૦થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા ૨૨૫ વાહનચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ ૪૭ વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજકોટ શહેરમાં તેમજ માધાપર ચોકડી ખાતે લેફ્ટ ટર્ન સ્મૂધ બનાવવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

ઉપરાંત આર.એન્ડ.બી. સ્ટેટ, નેશનલ હાઇવે, મહાનગરપાલિકા દ્વારા રોડ સેફ્ટી મેજરમેન્ટ અંગે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં માર્ગ સલામતી સલાહકાર શ્રી જે.વી. શાહ, નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ડિવિઝન, રૂડા, સ્ટેટ આર.એન્ડ.બી., એસ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓએ હાજર રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!