BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાની ભવ્ય “સંસ્કૃત ગૌરવયાત્રા”ની ઉજવણી પાલનપુરમાં યોજાઇ

26 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની ભવ્ય “સંસ્કૃત ગૌરવયાત્રા”ની ઉજવણી પાલનપુરમાં યોજાઇ.મહાનુભવો દ્વારા સૌ પ્રથમ ગૌ પૂજન, તુલસી પૂજન કરી, વૈદિક સંસ્કૃતિનુસાર સ્વસ્તિક તેમ શંખનાદ સાથે શ્રીફળ વધેરી સમગ્ર “સંસ્કૃત ગૌરવયાત્રા”ને અદભુત ગૌરવ પ્રદાન કર્યું. સંસ્કૃત ગુરુકુળના બાળ ઋષિઓ દ્વારા વિધિવત મંત્રોચ્ચાર તેમજ કુમારિકાઓના સામૈયા સાથે સંસ્કૃત ગરબા સાથેના મનોરમ્ય વાતાવરણમાં માન. જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી તથા ગીરીશભાઈ ઠાકર ( ગુરુજી) પૂર્વ આચાર્યશ્રી જી.ડી. મોદી કોલેજ સંસ્કૃત તજજ્ઞશ્રી દ્વારા સમગ્ર યાત્રાને કુમકુમ તિલકથી વધાવી પુષ્પવર્ષા કરી શાસ્ત્રોક્ત વિધિનુસાર વૈદિક મંત્રોચ્ચારના આહલાદક નાદ વચ્ચે પ્રસ્થાન કરાવ્યું.બનાસકાંઠા શિક્ષણ તંત્ર દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ સમારોહ અંતર્ગત યોજાયેલ ભવ્ય “સંસ્કૃત ગૌરવયાત્રા”માં વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રામાયણના વિવિધ દ્રશ્યો નો ટેબ્લો, ભગવદ ગીતા ઉપદેશ નો ટેબ્લો, મહાભારતના દ્રશ્યોને ચરિતાર્થ કરતા વિવિધ પાત્રો સાથેનો ટેબ્લો, ઋષિમુનિઓની વેશભૂષા સાથેના બાળકો દ્વારા રજૂ કરાયેલ ટેબ્લો, વિવિધ યોગ કરતા તાલીમાર્થીઓનો ટેબ્લો, વૈદિક તેમજ ગાયત્રી યજ્ઞ ( શ્ર્લોક સાથે ચાલુ યજ્ઞ ) દર્શાવતો ટેબ્લો, મહાકવિ કાલિદાસની વિવિધ કૃતિઓ તેમજ ચાર વેદ સાથેનો ટેબ્લો, વિવિધ નારી શક્તિની વેશભૂષા સાથે દીકરીઓ દ્વારા અદભુત નારી શક્તિનું દર્શન કરાવતો ટેબ્લો રજૂ કરવામાં આવ્યા. આ સાથે જ વિવિધ સુભાષિત, વિવિધ પોસ્ટર, ધ્યેયવાક્યો તેમજ મુખપાઠ સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે સમગ્ર “સંસ્કૃત ગૌરવયાત્રા” શ્રી કે. કે. ગોઠી સ્વસ્તિક સેકન્ડરી હાઈસ્કૂલ થી શરૂ કરીને શ્રી વી.આર. વિદ્યાલય ખાતે પૂર્ણાહુતિ સંસ્કૃત ગરબા, સંસ્કૃતમાં એક પાત્રીય અભિનય તેમજ સંસ્કૃત એકલગીત દ્વારા કરી અંતે “શાંતિમંત્ર” તેમજ સંસ્કૃત નારા સાથે ભારત માતાના જયઘોષ સાથે યાત્રા પૂર્ણ જાહેર કરાઈ.
આ સમગ્ર “સંસ્કૃત ગૌરવયાત્રા”માં વિવિધ શાળાઓના કુલ 2315 બાળકો, 256 કર્મચારીગણ, 27 અધિકારીગણ તેમજ 23 પદાધિકારીગણ જોડાયા હતા. કુલ 217 બાળકો વિશેષ વેશભૂષા સાથે જોડાયા હતા તેમજ 138 બાળકોએ વિવિધ ટેબ્લોમાં વિવિધ ઝાંખી તેમજ પ્રતિકૃતિ રજૂ કરી હતી. વિવિધ પ્રકારના કુલ 73 બેનર રજૂ કરાયા હતા.આમ, બનાસકાંઠા જિલ્લા “સંસ્કૃત ગૌરવયાત્રા”માં પ્રાથમિક, માધ્યમિક, ( સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી) શાળાઓ મહાવિદ્યાલયો અને જનસમુદાય વિશેષ રૂપે જોડાઈ અને સંસ્કૃતનું ભવ્ય ગૌરવ સમજાવીને સંસ્કૃતનું સંરક્ષણ, સંવર્ધન તેમજ હસ્તાંતરણ સાથે વિશેષ પ્રચાર- પ્રસાર થાય તેવા ઉમદા હેતુ અર્થે કટિબદ્ધ બન્યા હતા.
જયતુ સંસ્કૃતમ-જયતુ ભારતમ

Back to top button
error: Content is protected !!