ચીન-તિબેટ સરહદે આવેલા ઉત્તરીય નેપાળના વિસ્તારોમાં અચાનક આવેલા વિનાશક પૂરે તારાજી સર્જી, 105 ભારતીયો સહિત સેંકડો લોકો ગુમ

નેપાળમાં કુદરતી આફતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ચીન-તિબેટ સરહદે આવેલા ઉત્તરીય નેપાળના વિસ્તારોમાં બુધવારે અચાનક આવેલા વિનાશક પૂરે મોટા પાયે તારાજી સર્જી છે. તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે નદી કિનારાના અનેક ગામો, બાંધકામ સ્થળો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ હોનારતમાં હજારો લોકો ગુમ થયા હોવાની આશંકા છે, જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
કાઠમંડુ પોસ્ટ અને નેપાળના પૂર પૂર્વાનુમાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 9 વાગ્યે તિબેટ સરહદ પારથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું હતું. આ પ્રવાહ બપોર સુધીમાં ધાદિંગ જિલ્લાના ગલ્છી વિસ્તાર સુધી પહોંચી ગયો હતો.
રસૂવા જિલ્લાના તિમુરે અને આસપાસના સ્યાફ્રુબેસી વિસ્તારમાં આ પૂરના કારણે વાહનો, સામાન અને મકાનો તણાઈ ગયા હતા. ઉત્તરગયા ગ્રામીણ નગરપાલિકાના ડેપ્યુટી ચેરપર્સન ચમેલી ગુરુંગના જણાવ્યા મુજબ, સ્યાફ્રુબેસી, બેત્રાવતી, મૈલુંગ, સલ્લેતાર, શાંતિબજાર, પૈરેબેસી, ખાલતી બસ્તી, સોલે, ત્રિશૂલી અને બત્તાર સહિત લગભગ એક ડઝન જેટલી વસાહતો ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. પુલ ધરાશાયી થવાની સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
નેપાળના સરહદી રસૂવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટનામાં હવે ભારત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેપાળ ટુરિઝમ બોર્ડ (NTB) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, આ અણધારી આપત્તિમાં લાપતા થયેલા 291 વિદેશી પ્રવાસીઓમાં ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક અહેવાલો અનુસાર, નેપાળના 4 જિલ્લાઓમાં નદી કિનારે વસેલા હજારો લોકો પૂરના વહેણમાં ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. નદી કિનારે મોટી વસાહતો, બજારો તેમજ સરકારી કચેરીઓ, સુરક્ષા એજન્સીઓના કેમ્પ, જેલ, શાળાઓ અને હોસ્પિટલો આવેલી છે. શરૂઆતી માહિતી મુજબ, ફરજ પર તૈનાત 41 સુરક્ષાકર્મીઓ પણ લાપતા બન્યા છે, જેમાં નેપાળ પોલીસના 32 અને આર્મ્ડ પોલીસ ફોર્સના 9 જવાનોનો સમાવેશ થાય છે.
ANIના અહેવાલ મુજબ, નેપાળમાં ગંડક નદીના ઉપલા કેચમેન્ટ એરિયામાં પાણીના અચાનક વધારાને પગલે ભારતમાં બિહાર તંત્ર હરકતમાં આવી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ તકેદારીના આદેશ આપ્યા છે. નેપાળના રસૂવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા, લમજુંગ અને તનહું તેમજ દોલખા અને સિંધુપાલ્ચોકમાં પૂરના જોખમને પગલે બિહારના સરહદી જિલ્લાઓમાં પૂરની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતની અધ્યક્ષતામાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.



