
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ: ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત મુબારક નિમિત્તે ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જમાતની મસ્જિદ ખાતેથી મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલામભાઈ શેખની આગેવાની હેઠળ ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યો હતો. જુલૂસ ખેરગામના વિવિધ વિસ્તારોમાં ફરી નાનીવાસ ખાતે પહોંચ્યો હતો.જુલૂસ દરમિયાન ભક્તિભાવ અને શિસ્તપૂર્વક ઈદ-એ-મિલાદની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.આ પ્રસંગે ખેરગામના ખલીફા રિફાઈ જમીલ અહેમદ ગુલામ મુસ્તફા શેખના નિવાસે ઝિયારત અને ન્યાઝનું આયોજન કરાયું હતું.જુલૂસ દરમિયાન સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવભાઈ પટેલ, કાર્તિક પટેલ સહિતના આગેવાનો દ્વારા જમીરભાઈ શેખ, ફારૂક શેખ,અઝીઝભાઈ ક્વોરીવાળા,મહમૂદભાઈ સૈયદ સહિતના મુસ્લિમ બિરાદરોનું સન્માન કરવામાં આવ્યું હતું.ડો. નિરવ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ખેરગામની ધરતી હંમેશા એકતા, શાંતિ અને ભાઈચારાની પરંપરાને મજબૂત કરતી રહી છે. વિવિધ સમાજો પરસ્પર સન્માન અને ભાઈચારાની ભાવનાથી સાથે રહે તે જ આપણા સૌની જવાબદારી છે.” તેમણે ઈદ-એ-મિલાદના પવિત્ર પ્રસંગે સૌને શાંતિ, સદભાવ અને પરસ્પર પ્રેમનો સંદેશ આપ્યો હતો.જુલૂસ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે મુસ્લિમ સમાજ દ્વારા આમદાવત નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ પોલીસ જવાનો તૈનાત રહી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.


