GUJARATTHARADVAV-THARAD

થરાદમાં ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ: કોમી એકતાનો સુંદર સંદેશ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં આજે બુધવારે પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદનો પવિત્ર તહેવાર ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સવારે 9:30 કલાકે બસ સ્ટેશન નજીક આવેલી મદ્રસા એ તાલીમુલ ઇસ્લામ (સુન્ની જામા મસ્જિદ) ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યો હતો.
જુલૂસ સુન્ની જામા મસ્જિદથી પ્રસ્થાન કરી મેઈન બજાર, સોની બજાર, જૈન દેરાસર, કાજીવાસ તેમજ પોલીસ સ્ટેશન નજીકથી પસાર થઈ ફરી મસ્જિદ ખાતે આવી પૂર્ણ થયો હતો. સમગ્ર માર્ગ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસનું નેતૃત્વ સુન્ની જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમદ યુસુફ સાહેબ, મહેબૂબ શા બાનવા અને ઘાંચી ગુલાબભાઈની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાફિઝ જમાલુદ્દીન સાહેબ, મૌલાના અબરાર અહમદ સાહેબ, કારી ઉમર સાહેબ સરવરી, હાફિઝ સરફરાઝ સાહેબ સિદ્દીકી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને જુલૂસમાં હિન્દુ સમાજના આગેવાનોની હાજરીએ કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. થરાદની ગંગા-જમુની સંસ્કૃતિની ઝલક સમાન આ પ્રસંગે બંને સમાજના આગેવાનો અને લોકો વચ્ચે પરસ્પર ભાઈચારો જોવા મળ્યો હતો.
જુલૂસ પૂર્ણ થયા બાદ પેશ ઇમામ મૌલાના મોહમદ યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદે મિલાદની મુબારકબાદ પાઠવી હતી તેમજ દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે દુઆ કરવામાં આવી હતી.
ઈદે મિલાદના જુલૂસ બાદ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શરબત અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!