
નર્મદા : ઈદે મિલાદ નિમિત્તે રાજપીપળા મુસ્લિમ સમાજની અનોખી પહેલ: જુલૂસ બાદ રસ્તા સાફ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
રાજપીપળા : જુનેદ ખત્રી
પયગંબર મુહમ્મદ સાહેબના જન્મદિન ઈદે મિલાદ પર્વ નિમિત્તે રાજપીપળા શહેરમાં એક ભવ્ય અને વિશાળ જુલૂસ યોજાયું હતું. આ જુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ઠેર-ઠેર ન્યાઝ તરીકે આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ આયોજનમાં સૌથી વધુ આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર મુસ્લિમ સમાજ દ્વારા હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન બન્યું હતું.

જુલૂસમાં જોડાયેલા લોકોને આઈસ્ક્રીમના ખાલી કપ અને ચોકલેટના રેપર ગમે ત્યાં ફેંકવાને બદલે મુકેલા ડસ્ટબિનમાં જ નાખવા માટે વોલેન્ટિયર ગ્રુપ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાના બાળકો કે અન્ય લોકોથી અજાણતાં રસ્તા પર પડેલો કચરો પણ વોલેન્ટિયર્સ દ્વારા તુરંત જ ઉપાડી લેવાયો હતો. જુલૂસ પૂર્ણ થયા બાદ રસ્તા પર પડેલો તમામ કચરો સાફ કરીને માર્ગોને એકદમ સ્વચ્છ બનાવી દેવામાં આવ્યા હતા. ખુદ જામા મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના અકબર અશરફી (ખલીફા એ શૈખુલ ઇસ્લામ) પણ રસ્તા પરનો કચરો સાફ કરતા નજરે પડતા સૌ કોઈ દંગ રહી ગયા હતા. જુલૂસ પૂર્ણ થયા બાદ સ્વચ્છ બનેલા રસ્તાઓએ આખા નગરનું ધ્યાન ખેંચ્યું હતું.

આ સરાહનીય કાર્ય અંગે વાત કરતા મૌલાના અકબર અશરફીએ જણાવ્યું હતું કે, આપણા આકા હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ આલિહિ વસલ્લમ (પયગંબર મુહમ્મદ સાહેબ) દ્વારા બતાવવામાં આવ્યું છે કે ( *અન્-નઝાફતુ શુઅબતુમ્ મિનલ ઈમાન* ) એટલે કે, સ્વચ્છતા એ ઈમાનનો એક ભાગ છે, અને આ જ તાલીમનું પરિણામ છે કે આજે યુવાનો અને સમાજે આગળ આવીને આ પહેલ કરી છે. સ્વચ્છતાના આ કાર્ય દ્વારા સમાજને જાગૃત કરવાનો એક નાનકડો અને ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને સમગ્ર રાજપીપળા નગરે બિરદાવ્યો હતો.


