NANDODNARMADA

રાજપીપળામાં ઉજવાયો ઈદ-એ-મિલાદુન્નબીનો પર્વ: હર્ષોલ્લાસ સાથે નીકળ્યું ભવ્ય જુલૂસ

રાજપીપળામાં ઉજવાયો ઈદ-એ-મિલાદુન્નબીનો પર્વ: હર્ષોલ્લાસ સાથે નીકળ્યું ભવ્ય જુલૂસ

 

મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ફજરની નમાઝ અદા કરી સલાતો-સલામ પઢ્યા; નગરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ છવાયો, ઠેર-ઠેર ન્યાઝ વહેંચાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ-એ-મિલાદુન્નબી પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામના મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય જુલૂસનું આયોજન કરાયું હતું. ઇસ્લામી કેલેન્ડરના ત્રીજા મહિના રબી-ઉલ-અવ્વલની ૧૨મી તારીખે ઉજવાતા આ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વહેલી પરોઢે મુસ્લિમ સમાજના લોકોએ મસ્જિદોમાં ફજરની નમાઝ અદા કરી પયગંબર સાહેબની શાનમાં સલાતો-સલામ અર્પણ કર્યા હતા. ત્યારબાદ સવારે ૯:૩૦ કલાકે દરબાર રોડ પર આવેલા જૂના પોલીસ સ્ટેશન પાસેની જુમ્મા મસ્જિદથી દબદબાભેર વિશાળ જુલૂસ પ્રસ્થાન થયું હતું. આ ભવ્ય જુલૂસ દરબાર રોડ, લાલટાવર, સ્ટેશન રોડ અને નાગરિક બેંક થઈને કસ્બાવાડ સુધી પહોંચ્યું હતું. જુલૂસમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. રસ્તામાં ઠેર-ઠેર મુસ્લિમ ભાઈઓ દ્વારા ન્યાઝ તરીકે આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

સવારે નીકળેલું આ જુલૂસ નગરના મુખ્ય માર્ગો પર ફરીને બપોરે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ કસ્બાવાડ ખાતે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ઉજવણી દરમિયાન શહેરમાં કોઈ અપ્રિય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

બોક્સ સ્ટોરી:::- *મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબે માનવજાત અને ખાસ કરીને મુસ્લિમ સમાજને પ્રેમ, દયા અને સદાચારના પવિત્ર સંદેશા આપ્યા છે:*

 

(૧) “તે વ્યક્તિ મુસલમાન નથી (આ વાત ૩ વખત કહી) જે પોતે પેટ ભરીને જમી લે અને તેનો પડોશી ભૂખ્યો રહે.” જ્યારે પૂછવામાં આવ્યું કે પડોશી એટલે કોણ? ત્યારે ફરમાવ્યું કે, “ચારેય દિશામાં આવતા ૪૦ ઘરો, ચાહે તે ગમે તે ધર્મ કે જાતિના હોય.”

(૨) “મજૂરનો પરસેવો સુકાય તે પહેલાં તેને તેની મજૂરી ચૂકવી દો.”

(૩) “જો તમે વહેતા પાણીના પ્રવાહ પાસે બેઠા હોવ, તો પણ પાણીનો બગાડ કરશો નહીં.”

(૪) “જે લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે, તેમની સાથે સામે બુરાઈ ન કરો, પરંતુ તેમને માફ કરી દયા અને પ્રેમથી વર્તો.”

(૫) “તે આપણામાંનો (મનુષ્ય) નથી જે નાના બાળકો પર દયા ન કરે અને વડીલોનું સન્માન ન કરે.”

Back to top button
error: Content is protected !!