
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં મહિલા ડોક્ટરે પતિ સહિત સાસરી પક્ષના પાંચ સામે ફરિયાદ નોંધાવી, શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ, ગાળો તથા ધમકી આપવાના આક્ષેપો
મોડાસામાં રહેતી મહિલા ડોક્ટરે પોતાના પતિ સહિત સાસરી પક્ષના પાંચ લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ, મારઝૂડ, ગાળો તથા ધમકી આપવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

ફરિયાદ મુજબ, 37 વર્ષીય નુરઅફજાબેનના લગ્ન તા. 9 મે 2010ના રોજ મોડાસાના ડો. વસીમ મનસુરભાઈ મલેક સાથે મુસ્લિમ સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. બંને વ્યવસાયે ડોક્ટર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લગ્નજીવનના શરૂઆતના આશરે બે વર્ષ સુધી બંને વચ્ચે સંબંધો સારા રહ્યા હતા અને ત્યારબાદ દંપતીને બે સંતાનો થયા હતા.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ પતિ ઘરના કામકાજ તેમજ નાની-નાની બાબતોમાં વાંધા કાઢી પત્ની સાથે બોલાચાલી અને ઝઘડા કરતા હતા. પતિ વારંવાર ગાળો બોલતા, મારઝૂડ કરતા અને માનસિક રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ છે. પતિ પતિ તરીકેની જવાબદારી નિભાવતા ન હોવા છતાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિણીતા વર્ષો સુધી આ ત્રાસ સહન કરતી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પરિણીતાના જણાવ્યા મુજબ, પતિ સાથેના ઝઘડાઓને લઈને અગાઉ બે-ત્રણ વખત સામાજિક રીતે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પણ પરિસ્થિતિમાં સુધારો આવ્યો ન હતો. પતિ સાથે પૈસા તથા નોકરી સંબંધિત બાબતોમાં પણ બોલાચાલી થતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે પતિએ અલગ-અલગ રીતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ દંપતીના પગારમાંથી પૈસા ખર્ચીને ટાટા કંપનીની ટિગોર કાર નંબર GJ-31-N-3858 ખરીદવામાં આવી હતી, જેનો ઉપયોગ પતિ કરતા હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.મહિલાનો વધુ આક્ષેપ છે કે તેના સાસુ-સસરા તથા દિયર-દેરાણી પતિને તેની વિરુદ્ધ ચઢામણી કરતા હતા અને તેના કારણે પતિ સાથે વધુ ઝઘડા થતા હતા. સાસરી પક્ષના સભ્યો દ્વારા પણ ગાળો, મારઝૂડ તથા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદી છેલ્લા એક વર્ષથી પોતાના બાળકો સાથે અલગ રહેતી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગની કચેરીથી મળેલી મંજૂરી બાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહિલા ડોક્ટરે પતિ ડો. વસીમ મનસુરભાઈ મલેક ઉપરાંત સસરા મનસુરભાઈ ઉસ્માનમિયા મલેક, સાસુ ફરીદાબાનુ મનસુરભાઈ મલેક, દિયર ફઈમ મનસુરભાઈ મલેક અને દેરાણી સબીહા ફઈમ મલેક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.



