Navsari: ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે નવસારી: PM મોદીના હસ્તે ‘નમો કમલમ’નું ભવ્ય ઉદ્ઘાટન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા ભાજપના રાજકીય અને સંગઠનાત્મક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે તા. 8 સપ્ટેમ્બર, 2026ના રોજ નવસારી જિલ્લા ભાજપના નવનિર્મિત અદ્યતન ‘નમો કમલમ’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગને લઈને જિલ્લા ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહે કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના હસ્તે ‘નમો કમલમ’નું લોકાર્પણ સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર માટે ગૌરવ અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહેવાની અપેક્ષા છે. આ ઐતિહાસિક કાર્યક્રમનો લાભ વધુમાં વધુ કાર્યકર્તાઓ અને નાગરિકોને મળી રહે તે માટે જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં કાર્યક્રમના લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવશે. પરિણામે લોકો પોતાના વિસ્તારથી જ વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા ઉદ્ઘાટનના સાક્ષી બની શકશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નવસારી આગમનને યાદગાર બનાવવા માટે નવસારીના સાંસદ તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી. આર. પાટીલજીની આગેવાની હેઠળ છેલ્લા એક મહિનાથી જિલ્લામાં વિવિધ સેવાકીય અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લામાં 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે. સાથે જ ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરી નવસારીને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કુપોષિત બાળકોને સુપોષણ તરફ આગળ વધારવા માટે પોષણ કિટ વિતરણ, જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શન સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે લાભાર્થી કેમ્પો તેમજ બાળિકાઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતાં ખોલાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આ રીતે વડાપ્રધાનશ્રીનો નવસારી પ્રવાસ માત્ર એક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહે પરંતુ તેને જનસેવા, લોકભાગીદારી અને સમાજ કલ્યાણના મહાઅભિયાન સાથે જોડવામાં આવ્યો છે. આશરે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલય અદ્યતન ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. કાર્યાલયમાં વિશાળ કોન્ફરન્સ હોલ, મિટિંગ હોલ, વિવિધ મોરચાઓ માટેની ઓફિસો, સંગઠનના હોદ્દેદારોની ઓફિસો તેમજ વિવિધ પ્રકલ્પો માટેની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવું કાર્યાલય નવસારી જિલ્લા ભાજપના સંગઠનાત્મક કાર્યોનું મુખ્ય કેન્દ્ર બનશે. કાર્યકર્તાઓ સાથે વધુ સઘન સંકલન, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા માટે ‘નમો કમલમ’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહના જણાવ્યા મુજબ, ‘નમો કમલમ’ માત્ર એક કાર્યાલય નથી, પરંતુ કાર્યકર્તાઓની અવિરત ઊર્જા, અખંડ એકતા અને અડગ સંગઠનશક્તિનું પ્રેરણાધામ બનશે. અહીંથી સંગઠનની સેવાયાત્રાને નવી દિશા અને ગતિ મળશે તથા જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે 8 સપ્ટેમ્બરે થનાર ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન નવસારી જિલ્લા ભાજપના ઇતિહાસમાં યાદગાર અને ગૌરવપૂર્ણ ઐતિહાસિક પ્રસંગ બની રહેવાની સાથે કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરશે.


