૫૮મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા ૧૮.૦૪% લેખે ઐતિહાસિક ભાવવધારાની ભેટ, પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ
*રક્ષાબંધન પર્વ પહેલા બનાસની બહેનોને મોટી ભેટ: બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક રૂ.૨૯૪૬.૭૭ કરોડનો ભાવફેર જાહેર કરાયો*
પ્રતિનિધિ. દિયોદર . અહેવાલ કલ્પેશ બારોટ
*૫૮મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા ૧૮.૦૪% લેખે ઐતિહાસિક ભાવવધારાની ભેટ, પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ*

*દર મહિને પશુપાલકોના ખાતામાં રૂ. ૧,૪૨૨ કરોડની દૂધની આવક જમા કરાવતો વિશ્વનો એકમાત્ર જિલ્લો બનાસકાંઠા છે:- ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી*
*ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની યશસ્વી કૂચ: રૂ. ૫,૦૦૨ કરોડની સંપત્તિ અને દેશમાં પ્રથમ ‘ટ્રિપલ-એ’ રેટિંગ સાથે બનાસ ડેરી આગળ વધી રહી છે*
એશિયાની સૌથી મોટી સહકારી ડેરી એવી બનાસ ડેરીની ૫૮મી વાર્ષિક સાધારણ સભા વાવ-થરાદ જિલ્લાના દિયોદરના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. બનાસ ડેરીના ડિરેક્ટરો તથા હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી. આ સાથે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-ટેન મહિલા પશુપાલકોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કુલ ૧૮.૦૪ ટકા લેખે રૂ. ૨,૯૪૬.૭૭ કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવવાનો નિર્ણય કરાયો છે. જેમાં સંઘનો ભાવફેર રૂ. ૨,૨૩૯.૨૭ કરોડ અને દૂધ મંડળીઓનો ભાવફેર રૂ. ૭૦૭.૫૦ કરોડ સમાવિષ્ટ છે. આ અભૂતપૂર્વ જાહેરાત થતાં જ બૃહદ બનાસકાંઠા સહિત કાર્યક્ષેત્રના લાખો પશુપાલકોમાં દિવાળી જેવો હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આદ્યસ્થાપક સ્વ. ગલબાકાકાએ છેવાડાના ગામની વિધવા બહેન પણ દાતરડાના હાથા પર સ્વમાનભેર જીવન જીવી શકે તેવા ઉમદા વિચાર સાથે માત્ર ૮ ગામથી જે દૂધ ક્રાંતિ શરૂ કરી હતી, તે આજે દેશના ૮ કરતાં વધુ રાજ્યોમાં વિસ્તરી ચૂકી છે. આ સફળતા લાખો પશુપાલકોની એકતા, અતૂટ વિશ્વાસ, ડિરેક્ટર મંડળના માર્ગદર્શન અને અધિકારી-કર્મચારીઓની રાત-દિવસની મહેનતનું પરિણામ છે. દેશ-દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતોના મંથન થકી વ્યાવસાયિક સંસ્કૃતિ કેળવીને બનાસ ડેરીએ છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં વાર્ષિક ટર્નઓવર રૂ. ૩-૪ હજાર કરોડથી વધારીને રૂ. ૨૪,૦૦૦ કરોડની નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.
ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પાલનપુર ઉપરાંત સણાદર, બાદરપુરા, ફરીદાબાદ, કાનપુર, લખનઉ, વારાણસી અને આગામી સમયમાં દિલ્હી નજીક બાગપતમાં ૧૫ લાખ લિટરની ક્ષમતાવાળા સંકુલનું નિર્માણ એ આપણી સતત વિસ્તરતી વિકાસયાત્રાની સાક્ષી પૂરે છે. બનાસ ડેરીએ દેશની ખાનગી અને સહકારી ફૂડ પ્રોસેસિંગ સંસ્થાઓમાં નાણાકીય શિસ્ત થકી સર્વોચ્ચ ‘ટ્રિપલ-એ’ (AAA) રેટિંગ પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ સંસ્થા બનવાનું ગૌરવ મેળવ્યું છે. વર્ષ ૨૦૦૦માં સંસ્થાની કુલ સંપત્તિ રૂ. ૭૮ કરોડ અને ૨૭૮ વીઘા જમીન હતી, જે ૨૦૧૪માં રૂ. ૮૬૫ કરોડ થઈ અને આજે વધીને રૂ. ૫,૦૦૨ કરોડ તથા ૮૬૦ વીઘા જમીન બની છે, જેના સાચા માલિક પશુપાલક પરિવારો છે. વર્ષ ૨૦૦૦માં જિલ્લામાં પશુપાલકોને માસિક રૂ. ૨૦ કરોડની દૂધની આવક થતી હતી, જે ૨૦૧૪માં વધીને રૂ. ૨૮૭ કરોડ અને આજે ૨૫ વર્ષના અંતે દર મહિને રૂ. ૧,૪૨૨ કરોડ સીધા પશુપાલકોના ખાતામાં જમા થઈ રહ્યા છે.
નવા પ્રકલ્પોની માહિતી આપતાં ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, સણાદર ખાતે ૧૫૦ મેટ્રિક ટનનો દૂધ પાવડર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે, જેથી એક પણ દિવસ ‘મિલ્ક હોલિડે’ રાખવો નહીં પડે. ખેડૂતોના હિતમાં બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા ૫૦ ટનથી વધારીને ૧૫૦ ટન કરવામાં આવી છે અને બાદરપુરા ખાતે રાયડો તથા મગફળીનું ૧૦૦% શુદ્ધ કાચી ઘાણીનું તેલ બનાવવાનો પ્લાન્ટ કાર્યરત કરી દેવાયો છે. વધુમાં, ભીલડી ખાતે આકાર લઈ રહેલું ‘બીબીઆરસી’ સંવર્ધન કેન્દ્ર બ્રાઝિલ, અમેરિકા અને ઇઝરાયલની અદ્યતન ટેકનોલોજીની સમકક્ષ છે, જે આગામી ૨૫ વર્ષમાં પશુઓની ઓલાદ સુધારીને ઓછી મહેનતે દૂધ ઉત્પાદન બમણું કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવશે.
સામાજિક ઉત્તરદાયિત્વની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બનાસના યુવાનો યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય તે માટે ગાંધીનગર ખાતે ગલબાબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ‘બનાસ કરિયર એકેડેમી’ કાર્યરત છે, જ્યાં વરિષ્ઠ આઈએએસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ ૯ વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે અને ૭૬ વિદ્યાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે.
ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ડેરીની આ સમગ્ર પ્રગતિ અને સિદ્ધિઓ લાખો દૂધ ઉત્પાદક માતા-બહેનોના પરિશ્રમ અને પુણ્યપ્રતાપે શક્ય બની છે, જેને આ ઐતિહાસિક રૂ. ૨,૯૪૬.૭૭ કરોડનો ભાવફેર પૂર્ણ આદર સાથે સમર્પિત કરવામાં આવે છે. આ સભામાં ઉપસ્થિત હજારો પશુપાલકોએ તાળીઓના ગડગડાટ સાથે આ ઐતિહાસિક ભાવવધારાને વધાવી લીધો હતો અને સંસ્થાના કુશળ નેતૃત્વ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય સર્વ શ્રી લવિંગજી ઠાકોર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, સહકારી આગેવાનો/ અધિકારીશ્રીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા..
*બોક્સ*
*બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી*
પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.



