Navsari: ઇન્સ્ટાગ્રામ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગેની કથિત ખોટી પોસ્ટ મામલે નવસારીમાં આરોપી ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ઇન્સ્ટાગ્રામ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે કથિત ખોટી અને વાંધાજનક પોસ્ટ મૂકવાના મામલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હાર્દિક રામજીભાઈ પટેલ ઉ.વર્ષ ૩૫ રહે. ખાપરવાડા ગણદેવી ની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ૨૬ ઓગસ્ટે “katha_vistar” નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરવામાં આવી હતી. આ મામલે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 336(4) અને IT Act-2000ની કલમ 66(C) હેઠળ ગુનો નોંધાયો છે.
ટેકનિકલ અને વૈજ્ઞાનિક તપાસના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક દાવા મુજબ, ફોલોઅર્સ વધારવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે પોસ્ટ કરવામાં આવી હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી કે બનાવટી માહિતી ફેલાવી કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.


