ધો.12 માં ભણતી તરુણીને ઈન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાના બહાને હોટલમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી
સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવીની ધો.12 ની હાલ પરીક્ષા આપનાર 17 વર્ષની પુત્રીને ઈન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાના બહાને હોટલમાં લઈ જઈ પાડોશી યુવાને ત્રણ વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા લીંબાયત પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી યુવાનને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લીંબાયત વિસ્તારમાં રહેતા 45 વર્ષીય શ્રમજીવીના ચાર બાળકો પૈકી ત્રીજી પુત્રી એ હાલ ધો.12 ની પરીક્ષા આપી છે.ત્રણ અઠવાડીયા અગાઉ શ્રમજીવી તેમની બીજી પુત્રીના લગ્ન માટે વતન ગયા હતા અને પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં રોકાયા હતા ત્યારે ચાર દિવસ અગાઉ યુવતીને ચક્કર આવતા અને સારું ન રહેતા ડોક્ટર પાસે લઈ ગયા હતા.ડોકટરે યુવતીને 12 થી 14 અઠવાડીયાનો ગર્ભ હોવાનું જણાવતા શ્રમજીવીએ યુવતીને પૂછ્યું તો તેણે ગર્ભ પાડોશમાં રહેતા સાગર ઉર્ફે કાર્તીક વિનોદ પાટીલે ત્રણ વખત દુષ્કર્મ આચરતા રહ્યો હોવાનું જણાવ્યું હતું.
યુવતીની પુછપરછમાં વધુમાં જાણવા મળ્યું હતું કે સાગર ઉર્ફે કાર્તીકે તેને જુલાઈ 2021 માં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા શરૂ કરી હતી.તે યુવતીને નવા નવા વિડીયો મોકલતો હતો.તે જોવાની યુવતીને મજા આવતી હતી.બાદમાં બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી વાત કરવાની શરૂ કરી હતી.સાગર ઉર્ફે કાર્તીક યુવતીને ડીંડોલી ફ્લાવર ગાર્ડન ફરવા જવા કહેતો હતો.પણ યુવતી ઈન્કાર કરતી હતી.દરમિયાન, ગત ડિસેમ્બર 2022 માં સાગર ઉર્ફે કાર્તીક યુવતીને ઈન્સ્ટાગ્રામ વિડીયો બનાવવાના બહાને ડીંડોલી ફ્લાવર ગાર્ડન ફરવા લઈ ગયો હતો.ત્યાંથી તે નજીકમાં બીજો ગાર્ડન છે કહી યુવતીને પોતાની બાઈક પર બેસાડી ડીંડોલીની બ્લેક બર્ડ હોટલમાં લઈ ગયો હતો.ત્યાં ધાકધમકી આપી તેણે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ તે મહિનામાં જ સાગર ઉર્ફે કાર્તીક યુવતીને બે વખત ડીંડોલીની બ્લેક બર્ડ હોટલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.સાગર ઉર્ફે કાર્તીક અવારનવાર ફોન કરી ડરાવતો હોય યુવતીએ પોતાનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો.યુવતીની કેફિયતના આધારે તેના પિતાએ ગતરોજ સાગર ઉર્ફે કાર્તીક વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.