KUTCHMUNDRA

૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે મુન્દ્રા તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાયા.

૨૫- એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુંદરા કચ્છ :- સમગ્ર દુનિયાની ખતરનાક એવી બીમારી મેલેરિયા કે જેને આપણે ગુજરાતીમાં મચ્છર કરડવાથી આવતો “ટાઢિયો તાવ” કહીએ છીએ, એની સામે જનજાગૃતિ લાવવા માટે આખું જગત દર વર્ષે 25 એપ્રિલને ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવે છે. 25મી એપ્રીલ 2000ના દિવસે ૪૪ આફ્રીકન દેશોના વડાઓએ મેલેરિયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢયો હતો. તેની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 25 એપ્રિલે “વિશ્વ મેલેરિયા દિન”ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં લોકજાગૃતિ લાવવા શિબિર, રેલી, જૂથચર્ચા, પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.વિશ્વ આરોગ્ય સંસ્થાની મેલેરિયા નાબુદી માટેની 2023ની થીમ “મેલેરિયાને શૂન્ય સુધી પહોંચાડવાનો યોગ્ય સમય : રોકાણ કરો, નવીનતા કરો અને અમલીકરણ કરો” ને સાર્થક કરવા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયાની આગેવાની હેઠળ નાના કપાયા, દેશલપર, હરિનગર (મુન્દ્રા), રામાણિયા, લુણી, સાડાઉ, બગડા, ઝરપરા, ગુંદાલા, બારોઇ, રતાડીયા સહિત વિવિધ ગામોમાં જન જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત તમામ લોકોને મેલેરીયા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. મેલેરીયાના લક્ષણો, તેનું નિદાન, સારવાર, મેલેરીયા અટકાયતી પગલાં, પોરાનાશક કામગીરી, પોરાભક્ષક માછલીનું નિદર્શન, મચ્છરના પોરાનું નિદર્શન, મચ્છરદાનીનો ઉપયોગ વગેરે વિશે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત મચ્છરનું જીવનચક્ર, મેલેરીયા થવાનાં કારણો, અટકાવવાના પગલા, લોકોની મેલેરીયામાં ભૂમિકા વિશે પણ સમજ અપાઇ હતી.જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી વિનોદભાઈ ઠકકરની ખાસ ઉપસ્થિતમાં મુન્દ્રા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મેલેરિયાને લગતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

મેલેરિયા કેવી રીતે ફેલાય છે. મેલેરિયા એનોફિલીસ નામની માદા મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો વાહકજન્ય રોગ છે.

મેલેરિયાના લક્ષણો

મેલેરિયાના લક્ષણોની વાત કરીએ તો દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્‍યારબાદ 8 થી 12 કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલ્ટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે છે.

મેલેરિયા અટકાવવા માટે શું કરવું જોઈએ.

● તાવ અને લોહીનું નિદાન કરાવી સંપૂર્ણ સારવાર.

● પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા.

● ઘરના ટાંકા હવાચુસ્ત બંધ રાખવા, મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મૂકાવી.

● પાણી ભરવાની ટાંકી દર અઠવાડિયે ઘસીને સાફ કરવી.

● ટાયર, ડબ્બા તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો.

● પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલી કુંડી-અવાડા નિયમિત સાફ કરવા.

આ સાવચેતીઓ મેલેરિયા સામે રક્ષણ આપશે

● મેલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છરો ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થાય છે.

● મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો.

● ઘરની આજુ-બાજુ પાણીથી ભરાતા નાના ખાડા ખાબોચિયા વહેવડાવી દો કે માટીથી પુરાણ કરો.

● પાણીના મોટા ભરાવામાં પોરાનાશક ગપ્પી માછલીઓ અવશ્ય મુકાવો.

● મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો.

● બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાવો.

● મચ્છર વિરોધી ક્રીમ ત્વચા પર લગાડી માનવ મચ્છરનો સંપર્ક ઘટાડો.

● વહેલી સવારે અને સંધ્યાકાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખો.

● જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાનું રાખો.

● નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે જંતુનાશક મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો.

● તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવો.

● મેલેરિયાના લક્ષણો જણાય તો તરતજ તબીબી સારવાર લો.

● મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને ત્વરિત સારવાર.

● સરકારી દવાખાનામાં નિદાન અને સારવાર મફત આપવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!