ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી માટે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ*

યોગેશ કાનાબાર રાજુલા
*ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી માટે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ*
*અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ‘ગીરની દિવાળી’ તરીકે ઉજવાશે DCF વિકાસ યાદવની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન*
ધારી, ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આગામી ૧૦ ઑગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધારી શહેર નજીક આવેલા કેસરી સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) શ્રી વિકાસ યાદવ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ, જિલ્લાનાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ, તેમજ વિશ્વ સિંહ દિવસ ઉજવણીના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી અજીતસિંહ ગોહિલ સહિત વન વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સર્કલ ઓફિસર (CO) અને તાલુકા કોઓર્ડિનેટર (TCO) જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. આ વર્ષે, અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસને ‘ગીરની દિવાળી’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ છે. બેઠકમાં ઉજવણીના વિવિધ પાસાઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
DCF શ્રી વિકાસ યાદવ સાહેબે જણાવ્યું હતું કે, “વિશ્વ સિંહ દિવસ એ માત્ર સિંહોના સંરક્ષણ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ એક સુવર્ણ તક છે. અમે અમરેલી જિલ્લામાં તેને ‘ગીરની દિવાળી’ તરીકે ઉજવીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવા માંગીએ છીએ.”
આ ભવ્ય ઉજવણીમાં સ્થાનિક સમુદાયો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓને જોડવામાં આવશે જેથી સિંહ સંરક્ષણના પ્રયાસોને વધુ વેગ મળી શકે.





