ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે રાજુલાના સમઢિયાળા-૧ ગામેથી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ

યોગેશ કાનાબાર રાજુલા
ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે રાજુલાના સમઢિયાળા-૧ ગામેથી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ

બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી એન.આઈ.ડી. (NID) પોલિયો રાઉન્ડ અંતર્ગત આજે રાજુલા તાલુકામા મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી ના વરદહસ્તે રાજુલા તાલુકાના સમઢિયાળા-૧ ગામેથી બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને આ રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અભિયાનના પ્રથમ દિવસે તાલુકાના અંદાજે ૧૬૪૬૦ જેટલા બાળકોને પોલિયોની રસીથી રક્ષિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને સુદ્રઢ સ્વાસ્થ્ય પ્રદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ આરોગ્યલક્ષી અભિયાનનો લાભ તાલુકાના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમણે તાલુકાના તમામ વાલીઓને અપીલ કરી હતી કે ૦ થી ૫ વર્ષ સુધીના પોતાના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અચૂક અપાવે અને આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી બને.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.નિલેશ કલસરીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ બૂથ, મોબાઈલ ટીમ અને ટ્રાન્ઝિટ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસે તાલુકાના ૮૬ બૂથ પર આરોગ્ય કર્મચારીઓ,આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની ટીમ દ્વારા ઉત્સાહભેર કામગીરી કરીને ૧૬૪૬૦ બાળકોને આવરી લેવાયા હતા.આ ઉપરાંત બૂથ પર રસીકરણથી બાકી રહી ગયેલા બાળકો માટે આગામી દિવસોમા આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.
આ શુભારંભ પ્રસંગે જીલ્લા પંચાયત સભ્ય ભાનુબેન વિક્રમભાઈ શિયાળ,તાલુકા પંચાયત પ્રમુખ મધીબેન હિંમતભાઈ બલદાણીયા,ઉપપ્રમુખ રેખાબેન કમલેશભાઈ મકવાણા,કારોબારી ચેરમેન હેતલબેન કનુભાઈ કામળીયા સહિતના જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ,સ્થાનિક અગ્રણીઓ,જીલ્લા સુપરવાઈઝર નલીનભાઈ જોષી અને બકુલભાઈ પંડ્યા,આરોગ્ય કર્મચારીઓ,આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ બૂથ પર ઉપસ્થિત રહ્યા હતા જે યાદીમા જણાવેલ છે.
યોગેશ કાનાબાર રાજુલા




