આણંદ – બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરાઈ
આણંદ – બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરાઈ
તાહિર મેમણ – આણંદ – 05/03/2025 – આણંદ જિલ્લામાં 370 કેદી ક્ષમતા સાથે રૂપિયા 64.29 કરોડના ખર્ચે નવી તૈયાર થયેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરાઈ છે, જેને ગૃહમંત્રીએ લીલી ઝંડી આપી દીધી છે.આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી. હવે બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદી અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા રહેશે.
જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370 કેદીની ક્ષમતા ધરાવતી હોવાથી, તેને જિલ્લા જેલ તરીકે માન્યતા આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ જેલના બાંધકામ માટે 64.29 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ જેલનું બાંધકામ પૂર્ણ થશે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
જેલમાં ઓવરક્રાઉડિંગની સમસ્યાને નિવારવા માટે નવી જેલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આ નવી જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આણંદ જિલ્લામાં હાલમાં આણંદ ઉપરાંત બોરસદ અને ખંભાતમાં સબ જેલ છે, જેમાં ક્ષમતા કરતાં અનેક કાચા કામના કેદીઓને રાખવામાં આવે છે. પાકા કામના કેદીઓને વડોદરા અને બિલોદરા જેલમાં મોકલવામાં આવતા હતા.
નડિયાદની જેલનું ભારણ હળવું થશે
અત્યારે નડિયાદ જિલ્લા જેલમાં રાખવામાં આવતા આણંદ જિલ્લાના આરોપીઓને આણંદ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરી શકાશે, જેના કારણે નડિયાદ જિલ્લા જેલની ઓવરક્રાઉડિંગની સમસ્યા પણ હળવી થશે. આણંદ જિલ્લાના સ્થાનિક કોર્ટોના આરોપીઓને રાખવામાં આવશે. આનાથી કેદીઓના પરિવારજનો તેમની સાથે વધુ સરળતાથી મુલાકાત કરી શકશે અને પોતાના બાળકો સાથે પણ સંપર્ક જાળવી શકશે. આ જિલ્લા જેલમાં સ્થાનિક આરોપીઓને રાખવામાં આવશે, જેના કારણે સંબંધિત કોર્ટોમાં તેમને નિયમિત રજૂ કરી શકાશે. આનાથી કેસોનો સમયસર કે વહેલી તકે નિકાલ થઈ શકશે. સાથે જ, પોલીસ જાપ્તા અને પોલીસ વાહનોના ખર્ચમાં ઘટાડો થશે, જે સરકારના આર્થિક બોજને પણ હળવો કરશે.