આણંદ જિલ્લામાં ‘વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ’ની ઉજવણી:

આણંદ જિલ્લામાં ‘વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ’ની ઉજવણી:

તાહિર મેમણ – આંનદ – 12/06/2026 – વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં બાળમજૂરી નિવારણ અને બાળ અધિકારોના રક્ષણ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શ્રમ અને રોજગાર વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮, આણંદના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ પાંચ સ્થળોએ વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં બાળ સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને મજૂરીના વિષચક્રમાંથી મુક્ત કરવાનો રહ્યો હતો.
આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આણંદના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આઈ.ટી.આઈ. સદાનાપુરા અને રેલવે સ્ટેશન સ્થિત ચાઈલ્ડ હેલ્પડેસ્ક, તારાપુરની પેરામાઉન્ટ હોટલ અને વિદ્યાનગરની દર્શન પ્રાથમિક શાળા ખાતે સેમિનારનું આયોજન કરી સમાજના વિવિધ વર્ગોને આવરી લેવામાં આવ્યા હતા. આ સેમિનારોમાં ઉપસ્થિત લાભાર્થીઓને બાળમજૂરીના કાયદાકીય પાસાઓ અને તેનાથી થતા શારીરિક તથા માનસિક નુકસાન વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
ખાસ કરીને જુવેનાઇલ જસ્ટિસ (JJ) એક્ટ-૨૦૧૫ અને ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ હેઠળની જોગવાઈઓ અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનાર દરમિયાન બાળકોના શિક્ષણના અધિકાર અને બાળ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ભાર મૂકતા અધિકારીઓએ ઉપસ્થિતોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કર્યા હતા. મુશ્કેલીમાં મુકાયેલા બાળકોની વ્હારે આવતી ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ની સેવાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેથી જરૂરિયાતના સમયે નાગરિકો ત્વરિત સંપર્ક કરી શકે. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્રનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત લોકોને કાયદાકીય ગૂંચવણો અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાનમાં કુલ ૨૮૦ વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. કાર્યક્રમના અંતે એક સુરક્ષિત અને શોષણમુક્ત સમાજની સ્થાપના માટે ઉપસ્થિત તમામ લોકોએ બાળમજૂરીનો વિરોધ કરવા અને બાળકોના અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બાળમજૂરી અંગેની કોઈપણ માહિતી મળે તો તુરંત સંબંધિત વિભાગ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ પર જાણ કરી રાષ્ટ્રના ભાવિ સમાન બાળકોને સુરક્ષિત કરવામાં સહયોગ આપે.



