Rajkot: રાજકોટ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” સેવાનું લોન્ચિંગ કરાયું

તા.૬/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ઓછું વજન, ઓછી જાળવણી અને વધુ સલામતી ધરાવતું સિલિન્ડર બેચલર્સ, નોકરિયાત વર્ગ તેમજ બેકઅપ એલપીજીની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો માટે ઉપયોગી
Rajkot: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની નવીન અને ગ્રાહકમૈત્રી “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” સેવાનું રાજકોટ ખાતે લોન્ચિંગ કરાયું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અજય ઝાંપડાના હસ્તે આજ તા.૦૫ ઓગસ્ટના રોજ આ સેવાના લોન્ચિંગની સાથે ૫ અને ૧૦ કિલોનાં સિલિન્ડર મોડલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ “ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” સિલિન્ડરની વિશેષતાઓ, ઉપયોગીતા અને ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
“ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાઉ” પરંપરાગત સ્ટીલ એલપીજી સિલિન્ડરની તુલનામાં વજનમાં ૫૦ ટકા હલકું, આધુનિક અને સરળતાથી વહન કરી શકાય તેવું કમ્પોઝિટ સિલિન્ડર છે. તેમાં પારદર્શક એલપીજી લેવલ વિન્ડો હોવાથી ગ્રાહક સિલિન્ડરમાં બાકી રહેલા ગેસનું સ્તર સરળતાથી જાણી શકે છે.
આ સિલિન્ડર રસ્ટ-ફ્રી કમ્પોઝિટ બોડી, ઓછી જાળવણી, વધુ સલામતી, સરળ હેન્ડલિંગ અને પરિવહન જેવી વિશેષતાઓ ધરાવે છે. તે ખાસ કરીને કામકાજ કરતા બેચલર્સ, વારંવાર બદલી થતી હોય તેવી નોકરી ધરાવતા કર્મચારીઓ, નાના કાર્યાલયો તેમજ વધારાના કે બેકઅપ એલપીજી સિલિન્ડરની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો માટે ઉપયોગી છે.
આ સેવા અંતર્ગત ઓછા દસ્તાવેજો, સીમલેસ ડિજિટલ બુકિંગ, સરનામાનાં પુરાવાની જરૂર ન હોવી, જરૂરિયાત મુજબ સિલિન્ડરની ઉપલબ્ધતા તથા નિર્ધારિત ટ્રેડિંગ વિસ્તારમાં ઝડપી ડિલિવરી જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
સિલિન્ડર લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે રાજકોટ ઇન્ડેન ડિવિઝનલ ઓફિસના અધિકારીઓ, એલપીજી વિતરકો, વ્યાવસાયિક પ્રતિનિધિઓ તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



