Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના ‘દીક્ષાગ્રહણ સમારોહ’માં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ

તા.૨/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ભાવિકા, હેમાલી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા પ્રોજેક્ટ્સના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને ૧ ટકા થયો, ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય સુધી લઈ જવા સરકાર સંકલ્પબદ્ધ
સ્વ. વિજયભાઈ રૂપાણીનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત હતું
‘જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ’ જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનાવતી પ્રેરણાદાયી પહેલ
‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં સેવાભાવી સંસ્થાઓનું યોગદાન અતિ મહત્વપૂર્ણ
બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન શ્રી પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘દીક્ષાગ્રહણ સમારોહ’માં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત ગુરૂકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું. તેમણે સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા પ્રોજેક્ટ્સના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને માત્ર ૧ ટકા થયો છે, જેને શૂન્ય સુધી લઈ જવા સરકાર કટિબદ્ધ છે. તેમણે ટ્રસ્ટના ‘બાલ સ્વપ્ન રથ’ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાનશ્રીની ‘આયુષ્માન પીએમ-જન આરોગ્ય યોજના’ની જેમ જ ટ્રસ્ટનો ‘સંજીવની પ્રોજેક્ટ’ પણ નબળા વર્ગના લોકોને પરવડે તેવી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ આપી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ‘જ્ઞાન પ્રબોધિની’ અંતર્ગત દીક્ષાગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણી અને સમગ્ર પરિવારને સ્વ. વિજયભાઈએ પ્રગટાવેલા સેવાયજ્ઞને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પરિવારને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે રાજકોટના મેયર શ્રી ડૉ. નેહલ શુક્લ અને પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસંગોચિત પ્રેરક સંબોધન કર્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનું જીવન દર્શન કરાવતી ડોક્યુમેન્ટ્રી અને હોલોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’માં સહયોગી બનનાર શાળા સંચાલકશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ શ્રી મેહુલ રૂપાણીએ અને આભાર વિધિ શ્રી હસુભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે કેબિનેટ મંત્રી સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્ય કક્ષા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, શ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સંસ્થાના ચેરમેન શ્રી અંજલીબેન રૂપાણી, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(( બોક્સ ))
ઉલ્લેખનીય છે કે, શ્રી પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન અને ખાનગી શાળાઓમાં ધોરણ સાતમાં ૮૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. દર વર્ષે પરીક્ષા આપતા ૫૫૦ થી ૬૦૦ બાળકોમાંથી પસંદ થયેલા ૨૦ થી ૨૫ તેજસ્વી બાળકોને રાજકોટની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે.
આ બાળકોના ધોરણ ૮ થી ૧૨ સુધીના અભ્યાસનો તમામ ખર્ચ, સ્કૂલ ફી, યુનિફોર્મ, પુસ્તકો, સાયકલ તેમજ મેડિકલ ખર્ચ સહિતની તમામ સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૧૨ પછી પણ મેડિકલ, એન્જિનિયરિંગ, સી.એ., સી.એસ. જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ટ્રસ્ટ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે.















