આણંદ પામોલમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર, 300 કિલો મીઠો માવો જપ્ત

આણંદ પામોલમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર, 300 કિલો મીઠો માવો જપ્ત
તાહિર મેમણ – આણંદ – 25/10/2024 – ખંભાત – બોરસદમાં મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ ફૂડ સેફટી પખાવડિયા અંતર્ગત આણંદ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા બોરસદ તાલુકાના પામોલ ગામે પનીર અને મીઠાઇ નમુના લઇને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.તેમજ સ્થળ પરથી શંકાસ્પદ પનીરના 150 કિલો રૂ 52,500 તેમજ મીઠો માવો 300 કિલો અંદાજે રૂ 75 હજારનો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોરસદ ખાતે અણમોલ રત્ન ઘીનો નમૂનો લઇને 28.5 લીટર શંકાસ્પદ ઘી રૂ 16320 જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખંભાતમાં પ્રાંત અધિકારીને સાથે રાખીને 20 થી વધુ મીઠાઇ અને ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 8 મીઠાઇના અને 2 ફરસાણના નમુના લઇને તપાસ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત ગત ઓગષ્ટ માસમાં આણંદ જિલ્લા ફૂડ ઓફિસર દ્વારા અંબિકા જનરલ સ્ટોર બોરસદ ખાતે સ્વામિનારાયણ મીક્ષ ફરારી લોટ ઉત્પાદક શ્રધ્ધા ટ્રેડીંગ સુરતના નમુનો લઇને ભૂજ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યો હતો.તેનો રીપોર્ટ આવતાં રાજગરાના લોટમાં ઘંઉના લોટની હાજરી મળી આવતાં સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત આણંદ ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 1 માસ માટે વિવિધ ખાદ્યચીજ વસ્તુઓના વેચાણ માટે 256 લોકોને હંગામી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે 12 લાખથી વધુ ટન ઓવર ધરાવતાં 44 એકમોને પાકા લાયસન્સ આપવામાં આવ્યાં છે. આગામી દિવાળીના તહેવાર સુધી માનવ સ્વાસ્થયને ધ્યાને લઇને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.




