Rajkot: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા પડધરીના ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાતે

તા.૨૪/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર સરકાર બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે, મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
ઘઉંની સફાઈ માટે પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે બે મશીન મૂકવામાં આવશે
Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ગોડાઉન ખાતે આવેલા ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ખેડુતો સાથે રૂબરૂ મુલાકાત કરી, ઘઉંની ગુણવત્તાની ચકાસણી કરી હતી.
મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ઘઉં ખરીદીની મુદત વધારીને ૫ એપ્રિલ કરી છે. ખેડૂતો જાગૃત બને અને ઉત્પાદન વધુ થાય, તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલમાં રૂ. ૨૪૫૦ ની કિંમતે ઘઉં ખરીદવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેનદ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ લોકોને વિના મૂલ્યે અનાજ મળી રહે, તે માટે સરકાર કાર્યરત છે. આજે ખેડુતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ ઘઉંના મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ એમ.એસ.પી.માં પણ થોડુંક અનાજ વેંચવું જોઈએ. ૨૦૨૮ સુધી કેન્દ્ર સરકારે ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવાની યોજના બનાવી છે. દેશમાં કુલ 38 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું છે. જે પૈકી 12 લાખ મેટ્રિક ટન ઘઉંનો રાશન માટે ઉપયોગ થશે. જેમાંથી કેન્દ્ર સરકાર બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે. સરકાર પણ સફાઈ કરેલા ઘઉં ખરીદી રહી છે ત્યારે ઘઉંની સફાઈ માટે પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે બે મશીન મૂકવામાં આવશે. ઘઉં ખરીદ્યા બાદ ૪૮ કલાકમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે, તેવી વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિભાગના સંયુક્ત સચિવ શ્રી શિખા સી., જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી, રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજશ્રી વાંગવાણી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.






