
સમીર પટેલ, ભરૂચ
હાંસોટ પોલીસે દરિયાઈ માર્ગે થતી વિદેશી દારૂની હેરાફેરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર કે.વી.લાકોડ અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. વમલેશ્વર ગામના દરિયા કિનારાની ખાડી વિસ્તારમાં દારૂની હેરાફેરી થવાની છે તેવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
સ્થળ પરથી અને વાહનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 216 બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 11,31,396 છે. આ ઉપરાંત બે ફોરવ્હીલ અને ચાર મોટરસાયકલ મળીને કુલ રૂ. 6,30,000નું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 17.61 લાખ થવા જાય છે.
પોલીસે આ કેસમાં તેલવા નવી નગરીના રહેવાસી સંજય વસાવાની ધરપકડ કરી છે. જ્યારે તેનો સાથીદાર દશરથ વસાવા હજુ ફરાર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.



