ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ જયપ્રકાશ શિવહરે ડાંગ જિલ્લાની મુલાકાત લઈ મકાનોની જાળવણી બાબતે સમીક્ષા બેઠક યોજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા જિલ્લા પ્રભારી સચિવ તેમજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર જયપ્રકાશ શિવહરેએ આજરોજ ડાંગ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકારના રોડ સલામતી અને સુરક્ષા અભિયાન અંગે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા તેમજ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની રજૂઆત સંદર્ભે બેઠક યોજી હતી.
કલેકટર કચેરી ખાતે સભા ખંડમાં યોજાયેલી બેઠકમાં શ્રી શિવહરેએ તમામ અધિકારીઓ તેમજ વિભાગો પાસેથી પોતાના તાબા હેઠળ રહેલી બિલ્ડીંગો, મકાનો અને માળખાગત સુવિધાઓ અંગે પુછપરછ કરી હતી, ભયજનક મકાન કે અતિ જુના સ્ટ્રક્ચર હોય તેવા મકાનોને તાત્કાલિક ધોરણે ખાલી કરી સરકારને આહેવાલ આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે જે કોઈ બિલ્ડીંગમાં નવું બાંધકામ જરૂરી હોય કે રીપેરીંગની જરૂરિયાત હોય તો તેના માટે કામગીરી વહેલી તકે કરવા સુચન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટ્રકચરલ એન્જીનીયર કે ટેકનીકલ મેનપાવરની વિશેષ જરૂરિયાત હોય તેવા વિભાગોએ રૂટીન કામ ઉપરાંત આ માટે પણ તાત્કાલિક દરખાસ્ત કરવી હિતાવહ છે.
માર્ગ અને મકાન વિભાગની ગાઈડલાઈન્સ પ્રમાણે તેમજ ડુપ્લીકેશન ન થાય તે રીતે બાંધકામની વિગતો પૂર્ણ કરવા તાકીદ કરી હતી સાથે જ જીઓ ટેગિંગ કરી કામ કરવા માટેની પદ્ધતિ અસરકારક છે તેનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી. આપની કોઈપણ દરખાસ્ત હોય તેના પર વહીવટી મંજુરી કરાવી વરસાદની સીઝન બાદ ૧૦૦% કાર્ય પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવા, પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, અધિક નિવાસી કલેકટરશ્રી વી.કે. જોશી, કાર્યપાલક ઈજનેરશ્રી કેતન કુંકણા, પ્રાંત અધિકારી સુશ્રી કાજળ આંબલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, માર્ગ અને મકાન, શિક્ષણ, આરોગ્ય, આયોજન, આદિજાતી તેમજ અન્ય તમામ વિભાગના આધિકારીઓ જોડાયા હતા.




