GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો

 

MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો

 

 

સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

“દેશના ગામે ગામે સહકારી મંડળીઓ થકી ગામડાઓનું અર્થતંત્ર મજબૂત બને તે માટે સરકાર પ્રયાસરત”- સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

ધારાસભ્ય સર્વશ્રી જયેશ રાદડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા અને પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિ

વર્ષ ૨૦૨૫ની આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ગુજરાત સહકાર રાજયમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કક્ષાના સહકારી સંસ્થાઓ માટેનો સેમીનાર યોજાયો હતો.

આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના ગામે ગામે સહકારી મંડળીઓ થકી ગ્રામ્ય વિસ્તારોનું અર્થતંત્ર મજબૂત બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સરકાર પ્રયાસરત છે. દેશમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવી સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું છે અને હવે દરેક સહકારી મંડળીઓ કમ્પ્યુટરાઇઝ બને તે માટેની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. સહકારી મંડળીઓમાં જોડાયેલ ખેડૂતોના માલનું બ્રાન્ડિંગ પણ સરકાર કરી રહી છે. વધુમાં મંત્રીશ્રીએ સૌને સ્વદેશી પેદાશો વાપરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય અને સહકારી અગ્રણીશ્રી જયેશ રાદડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશ સહકાર થકી સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. સહકારી પ્રવૃતિઓ થકી દેશના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર મજબૂત બને તે માટે સરકારના પ્રયાસોથી આજે સહકાર ક્ષેત્ર વટવૃક્ષ બન્યું છે.

સહકારી બેંક અને વિવિધ સહકારી સંસ્થાઓ તથા સંઘના ચેરમેનશ્રીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાની સહકારી મંડળીઓના લાભાર્થીઓને અકસ્માત વીમા યોજના તથા મેડિકલ વીમા યોજના હેઠળ ચેક તથા સહકારી મંડળી તરીકે નોંધણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, સહકાર સચિવશ્રી સંદીપકુમાર IAS, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, સંયુક્ત રજીસ્ટ્રાર સર્વશ્રી નીલમ વ્યાસ, ટી.સી. તીર્થાની તથા ચેતન પરમાર, મોરબી જિલ્લા રજીસ્ટ્રારશ્રી બી.એન.પટેલ, સહકારી આગેવાનશ્રી મગનભાઈ વડાવીયા અને ભવાનભાઈ ભાગીયા, અગ્રણીશ્રી જેન્તીભાઈ રાજકોટીયા તથા જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ અને સભ્યો તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!