સૂર-સંગીતનો અવિરત પ્રવાહ – સૂરીલો રેડિયો

કોઇ દિવસ કોઇ સૂની સાંજે ઘરની અગાશીમાં બેઠા હોઇએ અને ત્યાં જ કાનમાં ધીમો અવાજ સંભળાય,”જીવનસે ના હાર ઓ જીનેવાલે બાત મેરી તું માન અરે મતવાલે!” અને એ જ ગીતના સંગીતમાં મગ્ન થતાં થતાં જીવન વિષે વિચારતાં હોઇએ ત્યાં જ ગીત બદલાઇને બીજું ગીત આવી રહ્યું હોય,”લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ન હો!” આહા! આ ગીતનું દર્દભર્યા સ્પર્શ ધરાવતું સંગીત ખરેખર સાંજ સુધારી દે છે.પણ પાછું યાદ આવે કે હજુ વધારે સમય અહીં બેસી રહેવું પાલવે એમ નથી કારણ કે સાંજ એ દિવસનો એ પડાવ છે કે જ્યાં થોડાં થાકેલા મને અને શરીરે અધૂરા કામો પૂરા કરે જ છુટકો!
તો આ વિચારતાં વિચારતાં આ બધું છોડી ચાલતાં થઇએ ત્યારે એક અચાનક આવેલો વિચાર ઠંડક આપી જાય છે કે આ ગીતસંગીત આમ ચાલતા રહેશે તો મજાથી અધૂરા કામો ઝડપથી પૂરા થશે. પણ આ સંગીત અને ગીતો આવે છે ક્યાંથી? અને આપણે થોડે દૂર રૂમમાં ગોઠવેલાવા વ્હાલા સાથી રેડિયો સામે જોઇ ખુશ થતાં થતાં કામે વળગીએ અને ત્યાં ગીત બદલાતાં નશીલા કુમાર સાનુ પધાર્યા હોય કે,”કુછ ના કહો,કુછ ભી ના કહો!”
મન થાય કે ખરેખર આ સમયે કંઇ જ કહેવું નથી અને મન શાંત રાખી ડૂબી જવું છે આ ગીતોમાં! તો આ છે રેડિયો,એક બોલતો મિત્ર,એક ખૂબ સરળ મનોરંજનનું માધ્યમ અને એક આપણા જીવનમાં આપણો જાણે અજાણે અભિન્ન અંગ બની ગયેલો સૂરીલો સાથી.
ઘરમાં તો રેડિયો અરસા પહેલાંથી વસેલો હોય છે,ગમતો બની ગયેલો છે જ વર્ષોથી,પણ બહાર નીકળતાં જ કારમાં પણ જો રેડિયો ન હોય તો કદાચ સૂનું લાગે છે આપણને.રેડિયો એટલો સમજદાર છે કે તે કદી આપણને તેના તરફ જોવા માટે આગ્રહ નથી કરતો,કે એ કદી અટેન્શન નથી માંગતો.એ તો બસ અવિરત પોતે વહે જાય છે શબ્દો અને સંગીત સંગાથે.
આ રેડિયો કદાચ અત્યારે થોડો ઓછો પ્રચલિત કે ઓછો સંભળાતો હશે,પણ એક સમયે આ રેડિયો ખૂબ જ મહત્વનું જ્ઞાન વિજ્ઞાન તેમજ માહિતીનું માધ્યમ ગણાતો હતો.હવે જાણીએ થોડો રેડિયોનો ઇતિહાસ.આપણા દેશમાં રેડિયોની શરૂઆત થઇ છે છે…ક ૧૯૨૩ના જૂનથી કે જ્યારે તેનું નામ હતું “રેડિયો ક્લબ ઓફ બોમ્બે”.ત્યાર બાદ ૧૯૩૦માં નામ થયું,”ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ કંપની” .(ISBC). એ પછી નામ આપવામાં આવ્યું “ઓલ ઇન્ડિયા રેડિયો” જૂન ૧૯૩૬ થી..તે બીજા વીસ જેટલાં વર્ષો સુધી રહ્યો અને પછી કેટલાંયે વર્ષે તે બદલીને બન્યું “આકાશવાણી” ૧૯૫૬માં.જેનું સૂત્ર છે,”બહુજન હિતાય બહુજન સુખાય”.
આકાશવાણી એ ઇન્ડિયાનું પ્રસાર ભારતીનું સૌથી મોટું પબ્લિક ડિવિઝનનું રેડિયો સ્ટેશન છે, જે અલગ અલગ ભાષાઓ સાથે સમગ્ર દેશમાં પ્રસારિત થાય છે!હવે થોડો રેડિયોને ટેકનિકલ રીતે સમજીએ.તો રેડિયો AM અને FM એ રીતે અલગ અલગ બેન્ડ પર પ્રસારિત થાય છે.AM એટલે કે એમ્પલીટ્યુડ મોડ્યુલેશન જેમાં સિગ્નલનો એમ્પ્લીટ્યુડ એટલે કે સ્ટ્રેન્થ બદલાય અને અલગ અલગ સ્ટેશન સંભળાય છે. જ્યારે FM માં ફ્રીક્વન્સી બદલાય તેમ અલગ અલગ સ્ટેશન બદલાય.આ FM 88Mhz થી 108Mhz સુધીની રેન્જમાં બદલાતી રહે અને અલગ અલગ સ્ટેશન અલગ અલગ ફ્રીક્વન્સી પર સંભળાય.જેમ કે વિવિધભારતી સંભળાય છે 96.7 Mhz ફ્રીક્વન્સી પર.આપણા રેડિયોના ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જે ફ્રીક્વન્સી સેટ કરીએ તે સ્ટેશન સાંભળી શકાય.અને તમને ખબર છે કે, આ જાદુઇ રેડિયો ઇન્સ્ટ્રુમેન્ટ ની શોધ એડવિન હાવર્ડ આર્મસ્ટ્રોન્ગે કરી હતી છેક ૧૮૯૦માં અમેરિકામાં દરેક શહેરમાં રેડિયો ટ્રાન્સમીશન માટેના યુનિટ હોય અને બ્રોડકાસ્ટીંગ માટેના ટાવર્સપણ! તે ટાવર્સ લીમીટેડ એરિયામાં ફ્રીક્વન્સી ફેલાવે જે રેડિયો રીસીવર કેચ કરે અને આપણને પ્રસારિત થતાં દરેક કાર્યક્રમ સંભળાય અને મજાની વાત તો એ છે કે,આ રેડિયોએ તો આપણા દેશમાં આઝાદી પહેલાંના સમયમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો.દેશમાં અલગ અલગ જગ્યાએ આઝાદી માટે થતાં કાર્યક્રમો કે ચળવળોની માહિતીથી લઇને દેશપ્રેમ જગાવવા ઝનૂન જગાવવા શૌર્યભર્યા ગીતો વગાડવા સુધીના કાર્યો કર્યા છે.
રેડિયોમાં આપણા સુધી જાતભાતના કાર્યક્રમો અને ગીતો લાવતાં ત્યાં બેઠેલાં રીપ્રેઝન્ટેટીવ ને ઉદઘોષક કે રેડિયો જોકી કહેવાય.આ રેડિયોમાં જો તમારે ઉદઘોષક તરીકે જોડાવું હોય તો તે માટેની પણ અલગ ટ્રેનિંગ અને પરીક્ષા હોય છે.”વાણી સર્ટીફીકેટ” માટેની પરીક્ષા આકાશવાણી વિવિધભારતી માટે અનિવાર્ય છે. છે ને આ રેડિયો રસપ્રદ !
આ રેડિયોમાં વધારે શું મજા છે,ખબર છે? પેલા ઉદઘોષક હવે પછી કયું ગીત આપણાં સુધી લાવશે એ વિચારવાની અને રાહ જોવાની!
રેડિયો એ આજના આધુનિક સમયના ટીવી,ઓટીટી અને મોબાઇલના સમયમાં પણ પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે.કારણ કે તે સાંભળવામાં આપણને અલગ સમય ફાળવવો નથી પડતો,પણ તે આપણાં સમયને મધુરો બનાવવામાં પોતાનો સમય ફાળવી રહ્યો છે!
રેડિયો પર આજે તો સેલિબ્રીટી ના ટોક શો અને ઘણાં મનોરંજન સિવાયના ખૂબ અલગ જ રસપ્રદ કાર્યક્રમો પણ આવે છે.રસોઇ શો,ટેકનોલોજીની માહિતી આપતાં કાર્યક્રમો પણ આવે છે.ઉપરાંત સ્પર્ધાઓ પણ યોજી ઇનામો આપવામાં આવે છે અને ઘેર બેઠાં આખી દુનિયા વિષે જાણકારી પણ સહેલાઇથી લઇ શકાય છે.માહિતી સાથે મનોરંજન એટલે નાનકડો બોલકો આપણો વ્હાલો રેડિયો.
રેડિયો મને પણ ખૂબ ગમે નાનપણથી.એ મને મારો મિત્ર જ લાગ્યો છે હંમેશા.સવારે ૬ વાગ્યે ભક્તિસંગીતથી દિવસની શરૂઆત કરી હોય અને છેક રાત્રે મોડા એ સ્ટેશન બંધ થાય ત્યાં સુધી ધ્યાનથી સાંભળ્યા કર્યો હોય.તેના અલગ અલગ પ્રવાહના ગીતો સાથે આપણાં દિલોદિમાગના પ્રવાહો પણ બદલાતાં હોય.કેવું મજાનું ?
અને આ રેડિયોના સાઉન્ડપ્રુફ રેકોર્ડિંગ રૂમમાં હું પણ કોઇ દિવસ બોલીશ અને મારો અવાજ લાખો લોકો સુધી પહોંચશે એ સપનું સાકાર થયા પછી તે મને વધારે આકર્ષે છે,ખૂબ ગમે છે.
તરંગો થકી ચાલતો રેડિયો અવિરત સફર હજુ પણ કરે એવી એક રેડિયોપ્રેમી તરફથી રેડિયો દિવસ ૧૩ ફેબ્રુઆરીએ શુભેચ્છા.
નૃતિ શાહ..અમદાવાદ


