“પ્રેમ”
પ્રેમ એ એક એવી સહજ સુંદર લાગણી છે કે જેને સૌએ પોતાના જીવનમાં અનુભવી જ હશે.ખૂબ સારું લાગે જ્યારે પ્રેમ અનુભવાય.અને આખી દુનિયા ગમવા લાગે જ્યારે પ્રેમ થઇ જાય.પ્રેમ એ આમ તો આપોઆપ જ થઇ જાય એવો અલગ જ અનુભવ છે.કહે છે ને કે,”પરાણે પ્રેમ ન થાય!” એ સાચું જ છે.પ્રેમને આપણા જીવનમાં સ્થાન મળે ને તો આપણું ને બીજાનું જીવન સાવ અલગ જ બની જાય.જેમ કોઇ નાના છોડ હોય ને એને સમયસર પાણી સીંચીએ તો કેવા લીલાંછમ બનીને ઝડપથી ઊગવા લાગે છે,તેમ જ પ્રેમનું પણ છે.જો એક બાળક નાનું હોય ને તેનો ઉછેર પ્રેમભર્યા વ્યવહારથી કરવામાં આવે તો તે તંદુરસ્તીની સાથે સાથે આત્મવિશ્વાસથી ભરપૂર બને છે જીવનમાં.
તો આ પ્રેમ એક્ઝેટલી છે શું?પ્રેમની વ્યાખ્યા શું ? શું પ્રેમની કોઇ ઉંમર હોય છે?કે પ્રેમ શાશ્વત રહી શકે છે?
સાચું કહું તો આ બધા સવાલો ત્યારે જ થાય જ્યારે સાચો સહજ પ્રેમ ન થયો હોય.જો એક વાર પ્રેમ થયો તો પછી બધું જ વ્યર્થ!પ્રેમની અનુભૂતિ એક ખૂબ જ અદભુત અનુભૂતિ હોય છે.એક વહેલી સવારે આછી ઠંડકમાં લીલા પાંદડા પર જે નાજુક ઝાકળ હોય છે ને એવો ય પ્રેમ હોય ને વર્ષો સુધી ધરતી પર પોતાના મૂળિયા જમાવીને અડીખમ ઉભેલું ઝાડ હોય એવો યે પ્રેમ હોય.આ પ્રેમ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય ને પાછો દરેક વ્યક્તિને અનુભવાતોયે અલગ અલગ રીતે હોય.પ્રેમ તો જેને થાય તેને જ સમજ પડે કે પ્રેમ થયો પણ કેમ થયો છે એ કદાચ ક્યારેય સમજણ નથી પડતી..એક વૃધ્ધને પ્રેમ થાય તો તે પોતાની ઉંમર ને અવસ્થા ભુલી જઇ રંગીન દુનિયામાં વિહરશે અને ખૂબ ખુશ રહેશે.ગીતો સાંભળવા ગમવા લાગશે,પોતાના મિત્રો સાથે વાતો કરવી ગમવા લાગશે ને જાણે પોતે નવેસરથી યુવાનીમાં આવ્યા તેમ અનુભવવા લાગશે.વૃધ્ધ આ લાગણીઓ સાથે પોતાને સદનસીબ માનશે અને સમય વ્યતીત કર્યા વગર પ્રેમનો પ્રતિભાવ પણ માંગવા લાગશે.પ્રેમ વ્યક્ત કર્યા પછી જો સામેનું પ્રિયપાત્ર પણ તેની જેમ જ પ્રેમ અનુભવતું હશે તો….તો તો સમજો સોનામાં સુગંધ ભળી!જ્યારે બે વ્યક્તિઓ જીવનના પાછલા પડાવે વધતી ઉંમરે પ્રેમમાં પડે છે ને ત્યારે જીવનને વધુ ચાહવા લાગે છે અને જાદુઇ રીતે મૃત્યુના ડરને પણ ભગાવવા લાગે છે.પ્રેમ શબ્દ જ કેટલો પ્રેમભર્યો છે નહીં?
મને એક અંગ્રેજી કહેવત ખૂબ ગમતી વર્ષોથી,”પ્રેમથી દરેક કાર્ય સફળ જશે જ,જો ના થયું તો!તો પ્રેમની માત્રા વધારો!” કેટલું અદભુત સમજાવ્યું છે .
હું જો પ્રેમથી વર્તન કરીશ તો ગમે તેટલી નફરત કરનાર વ્યક્તિ પણ આખરે કંટાળીને હારી જશે.”ન શમે વેર વેરથી,વેર શમે પ્રેમથી!”આપણે તો આ સૂત્રમાં જ માનીએ છે.
જો પ્રેમથી હાસ્ય આપીને દુશ્મનના દિલને જીતી શકાતું હોય તો સમજો પ્રેમની શક્તિ ખરેખર શક્તિશાળી છે.આપણી દિનચર્યામાં જો પ્રેમને થોડું વધુ સ્થાન આપીએ તો ખબર છે જાદુ થાય છે?
જેમ કે,સવારે હું મારા ઘરના સભ્યો માટે ચા બનાવીશ પણ પ્રેમથી ને વહાલથી તેમને આપીશ તો મારા ચહેરાની રોનક મારા પરિવારની સવાર સુધારશે.જો મારા ઘરે આવતા હાઉસહેલ્પરને હું પ્રેમથી આવકારીશ તો તેમની કામ કરવાની શક્તિ આપોઆપ વધી જશે.જો બાળકોને પ્રેમથી વહાલ કરી એક મીટું ચુંબન કરી જગાડીશ તો તેઓ ખૂબ ઉત્સાહથી સ્કૂલે જશે.અને પોતાના પાર્ટનરને જો પ્રેમથી બોલાવીને ઓફિસ માટે તૈયાર કરવામાં મદદ કરીશ તો ઓફિસમાં બીજા અનેક લોકોને તેનો ફાયદો થશે,બરાબરને?
“તો આ પ્રેમ છે, બસ પ્રેમ છે અને હા,એ તો બસ પ્રેમ છે.”
એક પ્રેમી પોતાની પ્રિયતમાને જ્યારે પ્રેમ કરે છે ને ત્યારે કુદરતી રીતે જ પોતાનું અસ્તિત્વ ભુલી પ્રેમમય બની જાય છે.ખૂબ કાળજીપૂર્વક ને પ્રેમથી તે પોાતાના પ્રેમને જીવનભર સાચવી રાખવા માટે અવિરત પ્રયત્નશીલ રહે છે.
અને હા,જ્યારે આપણને પ્રેમ થાય છે ને ત્યારે સામેનાપ્રિયપાત્ર સાથે પ્રેમ થાય છે ને તેના કરતાં આ “પ્રેમ”ની અનુભવાતી અદભુત લાગણી સાથે વધારે પ્રેમ થાય છે,વિચારજો.
છેલ્લે મારી એક કવિતા,
“તને ખબર છે શું આ મારી દુનિયા નવી કેમ છે?
ના,ન જાણું હું યે,બસ મને થયો હા,પ્રેમ છે!”
—નૃતિ શાહ…