Rajkot: રાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં ૨૮મીએ સવારે ૯ કલાકથી શરૂ થશે મત ગણતરી

તા.૨૭/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ચૂંટણી નિરીક્ષકશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મત ગણતરી કેન્દ્રોની મુલાકાત લેશે
Rajkot: રાજ્ય ચૂંટણી આયોગે જારી કરેલા કાર્યક્રમ મુજબ, ૨૮મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનની મત ગણતરી હાથ ધરાશે.
ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના નિર્ધારિત છ કાઉન્ટિંગ સેન્ટર પર સવારે ૯ કલાકથી મત ગણતરીનો પ્રારંભ થશે. (૧) વોર્ડ નંબર ૧થી ૩ની ગણતરી પાંધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, (૨) વોર્ડ નંબર ૪થી ૬ની ગણતરી શ્રી એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ, (૩) વોર્ડ નંબર ૭થી ૯ની ગણતરી શ્રી એસ.વી.વિરાણી હાઈસ્કૂલ, ટાગોર રોડ (૪) વોર્ડ નંબર ૧૦થી ૧૨ની મત ગણતરી શ્રી એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, હેમુ ગઢવી હોલની સામે, (૫) વોર્ડ નંબર ૧૩થી ૧૫ની ગણતરી શ્રી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કૂલ, પી.ડી.એમ. ફાટક પાસે, (૬) વોર્ડ નંબર ૧૬થી ૧૮ ગણતરી શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે થશે.
જ્યારે રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો તથા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની મત ગણતરી નિર્ધારિત તાલુકા મથકોએ હાથ ધરાશે.
જેમાં (૧) રાજકોટ તાલુકામાં સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ ખાતે મત ગણતરી થશે. (૨) કોટડા સાંગાણી, (૩) લોધિકા, (૪) પડધરી – આ ત્રણેય તાલુકાની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. (૫) ગોંડલ તાલુકામાં સેન્ટ મેરી સ્કૂલ (ગુંદાળા રોડ) સેન્ટર ખાતે મત ગણતરી કરાશે. (૬) જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કૂલ (નવાગઢ) ખાતે કેન્દ્ર ખાતે મત ગણતરી થશે. (૭) ધોરાજી (૮) જામકંડોરણા – આ બંને તાલુકાની મત ગણતરી નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. (૯) ઉપલેટામાં ટાવરવાળી તાલુકા શાળા ખાતે કાઉન્ટિંગ થશે. (૧૦) જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ જ્યારે (૧૧) વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. (૧૨) ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે થશે.
આ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા તથા ગોંડલ નગરપાલિકાના ચૂંટણી નિરિક્ષક શ્રી આલોકકુમાર પાંડે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ તેમજ તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટણી નિરિક્ષક શ્રી જી.વી. મિયાણી વિવિધ મત ગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે.




