Rajkot: રાજકોટ શહેરમાં મતદાન મથકની ૨૦૦ મીટરની હદની બહાર મતદાર કાપલી વિતરણનો એક જ કેમ્પ રાખી શકાશે

તા.૨૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મતદાન મથકની હદની ૨૦૦ મીટરની અંદર વિવિધ પ્રવૃત્તિઓ પર શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો
Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મતદાન મથકોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામામાં ફરમાવ્યું છે કે, ૨૬મી એપ્રિલે મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેમના એજન્ટો કે તેમના સમર્થકો મતદાન મથકની ૨૦૦ મીટરની હદની અંદર મતદારોને મતદાર યાદીનો ક્રમ કાઢી આપવા કે કાપલી લખી આપવા માટેના કેમ્પ ઊભા કરી શકશે નહીં. આ મર્યાદાની બહાર દરેક ઉમેદવાર દીઠ માત્ર એક જ કેમ્પ રાખી શકાશે, જેમાં એક ટેબલ, બે ખુરશી અને તડકાથી બચવા માટે છત્રી કે તાડપત્રીનો ઉપયોગ કરી શકાશે.
આ કેમ્પ ઊભા કરવા માટે ઉમેદવારે સંબંધિત ચૂંટણી અધિકારીને જ્યાં કેમ્પ રાખવાના હોય તે મતદાન મથકોની યાદી આપીને સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે.
કેમ્પમાં વપરાતી કાપલી પર ઉમેદવારનું નામ, પ્રતીક કે પક્ષનું નામ હોવું જોઈએ નહીં. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારના પોસ્ટર, વાવટા કે પ્રચાર સામગ્રીનું પ્રદર્શન કરી શકાશે નહીં. કેમ્પ પર ભીડ એકઠી કરવા કે ખાદ્ય સામગ્રીના વિતરણ પર પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. આ આદેશોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે ફરિયાદ નોંધવા માટે અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.




