Rajkot: રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં મતગણતરી કેન્દ્રના સમગ્ર પરિસરમાં હથિયાર તેમજ સંદેશાવ્યવહારના તમામ ઉપકરણો પર પ્રતિબંધ

તા.૨૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ સંદર્ભે, રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.૨૮/૦૪/૨૦૨૬ના સવારના ૦૭-૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં કોઈ પણ પ્રકારનું હથિયાર, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારીશ્રી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે, મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મી. વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં. મતગણતરી અંગેની ફરજ પર રહેલા અધિકારી/કર્મચારીઓને ખાસ કિસ્સામાં મુકિત મળેલ હોય તો તેમને આ આદેશોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.




