ગુજરાત સાયન્સ સિટીમાં ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫ મે થી ખુલશે: બ્રહ્માંડના રહસ્યોને અનુભવાનો નવો અનુભવ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદમાં હવે વૈજ્ઞાનિક જ્ઞાનના ક્ષેત્રે એક વધુ અનોખું ઉમેરો થયો છે. અહીં ૧૫ મે 2025થી ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ સમગ્ર જનતા માટે ખુલ્લી મુકાશે. વીજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીમાં આ નવીનત્તમ ગેલેરી સૌરમંડળની રચના, બ્રહ્માંડના તત્વો અને અંતરિક્ષ સંશોધનને રોચક અને શૈક્ષણિક રીતે રજૂ કરશે.
વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે માહિતી આપતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાયન્સ સિટી એક વૈજ્ઞાનિક ટુરિઝમ હબ બની રહ્યું છે. રોબોટિક ગેલેરી અને એક્વેરિયમ જેવી સફળતા બાદ હવે ત્રીજી મોટી ગેલેરી તરીકે એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવી રહી છે.
તેઓએ ઉમેર્યું કે, વસંત વેકેશનને ધ્યાનમાં રાખીને ૧૫ મે ગુરુવારથી જ આ ગેલેરી ખુલ્લી મુકાઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટા પાયે લાભ લઈ શકે. ગેલેરીમાં ભારતના અવકાશ મિશન અને વૈજ્ઞાનિક યોગદાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
આ ગેલેરી કુલ 12,797 ચોરસ મીટર વિસ્તારમાં આવેલ છે, જ્યાં મધ્યમાં ત્રણ માળ જેટલો ઊંચો સૂર્યનો ગ્લોબ છે અને તેની આજુબાજુ ગ્રહોની ગોઠવણ દર્શાવવામાં આવી છે. ગેલેરી છ મુખ્ય વિભાગોમાં વિભાજિત છે.
ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ છે, જેમાં ખગોળવિજ્ઞાનના મૂળ સિદ્ધાંતો અને ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. પ્રેઝન્ટ ગેલેરીમાં 30 એક્ઝિબિટ્સ દ્વારા વર્તમાન અવકાશ મિશન અને શોધો રજૂ કરવામાં આવી છે, જયારે ફ્યુચર ગેલેરીમાં ભાવિ સંશોધનોને દર્શાવતા 24 એક્ઝિબિટ્સ છે.
આ ઉપરાંત, ભારતમાં થયેલ સંશોધનોને પ્રકાશિત કરતી વિશિષ્ટ વિજ્ઞાન ગેલેરીમાં 32 એક્ઝિબિટ્સ છે. સ્ટેલર ગેલેરીમાં 8 એક્ઝિબિટ્સ તારાઓ અને તારામંડળોની રચના સમજાવે છે. વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં 4 અનોખા એક્ઝિબિટ્સ અવકાશનો વર્ચ્યુઅલ અનુભવ કરાવે છે.
ગેલેરીમાં 4 એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન્સ પણ મુકવામાં આવ્યા છે, જે પ્રવાસીઓને વૈજ્ઞાનિક વિશ્વમાં જતાં અનુભવ અપાવશે.
ગેલેરીની વિશિષ્ટતાઓમાં દેશનું એકમાત્ર ઊંચુ હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ (ક્ષમતા: 172 બેઠક), 24 ઇંચ ટેલિસ્કોપ સાથેનું ઓબ્ઝર્વેટરી ડોમ, 360 ડિગ્રી વ્યૂ અને અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો, તેમજ વિશ્વનો સૌથી મોટો 6.5 મીટર વ્યાસ ધરાવતો મિકેનિકલ ઓરરી પણ સમાવેશ પામે છે.
ગુજરાત સાયન્સ સિટીની આ નવી ગેલેરી નવા યુગના વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે એક રોચક અને શૈક્ષણિક કેન્દ્ર બનશે.