Rajkot: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ન્યારા પ્રા.શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ
તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરણ-૧માં ૩૪ બાળકોનો તથા આંગણવાડીમાં ૨૨ ભૂલકાઓનો ઉલ્લાસમય પ્રવેશ કરાવાયો
પ્રવેશોત્સવ થકી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધી છે: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
Rajkot: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાં ન્યારા પ્રાથમિક શાળા ખાતે ૨૧મો કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ૧૭ કુમાર તથા ૧૪ કન્યા મળીને કુલ ૩૪ બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે ૧૧ બાળ તથા ૧૧ બાલિકા મળીને ૨૨ ભૂલકાઓનો આંગણવાડી પ્રવેશ પણ કરાવવામાં આવ્યો હતો. આ તકે ધો.૧થી ૮ના તેજસ્વી છાત્રોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૨-૦૩માં, રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તથા એક પણ બાળક શાળા પ્રવેશ વિનાનો ના રહી જાય તે હેતુથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણનું સ્તર સુધારવા અને ઊંચું લાવવા માટે તેમણે અનેકવિધ પગલાંઓ લીધા હતા. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યમાં શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે રાજ્યમાં કન્યા કેળવણીનું સ્તર સો ટકા સુધી પહોંચ્યું છે, જ્યારે શાળા પ્રવેશોત્સવના લીધે સરકારી શાળાઓ ફૂલ થવા લાગી છે.
રાજ્યની દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે “નમો સરસ્વતી” તથા “નમો લક્ષ્મી યોજના” શરૂ કરી છે. આ સાથે રાજ્યમાં શિક્ષણનું બજેટ રૂપિયા ૫૫ હજાર કરોડ સુધી પહોચ્યું હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ઉપસચિવ સુશ્રી ખ્યાતિ નેનોજીએ સંબોધનમાં કહ્યું હતું કે, શિક્ષણ એ દેશના વિકાસની પાયાની જરૂરિયાત છે. કન્યા કેળવણી પર ભાર આપતા અને વાલીઓને આગ્રહ કરતાં તેમણે કહ્યું હતું કે, કન્યાદાન કરતા પણ વધુ મહત્વ કન્યા કેળવણીને આપવું જોઈએ.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય સુશ્રી હર્ષા શર્માની આગેવાનીમાં યોજાયો હતો. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ શાળાની બાલિકાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ તકે ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકો પર પુષ્પો વર્ષા કરીને તેમનો ઉલ્લાસમય શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભૂલકાઓના હાથે મયુર પંખથી પ્રથમ અક્ષર લખાવીને વિદ્યારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને શિક્ષણ કીટ તેમજ આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણકિટ સાથે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ક્યુ.ઈ.એમ. સેલ-ગાંધીનગરના કો-ઓર્ડીનેટર શ્રી અતુલ પંચાલ, રાજકોટ સ્ટેમ્પ ડયૂટી કલેકટર શ્રી બી.એ. અસારી, પડધરી મામલતદાર શ્રી કે.જી. ચુડાસમા, ટી.પી ઈ.ઓ. સુશ્રી દિપ્તીબેન આદરેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઈ મેતલિયા, અગ્રણી શ્રી મનોજભાઈ રાઠોડ, સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી પરવેઝખાન પઠાણ તથા શ્રી અમિતસિંહ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.