RAMESH SAVANI
આપણે શું બોલવું, કેટલું બોલવું, શું સાંભળવું, એ સરકાર નક્કી કરી શકે?
સરકાર બ્રોડકાસ્ટિંગ બિલ લાવી રહી છે. આ બ્રોડકાસ્ટિંગ બિલ શું છે? આ બિલમાં ડિઝિટલ મીડિયા/ સોશ્યલ મીડિયા/ OTT પ્લેટફોર્મ/ ઈન્ડિવિજ્યુઅલ કન્ટેન્ટ ક્રિએટરનો સમાવેશ કરવામાં આવશે.
આ બિલ સરકાર શા માટે લાવી રહી છે? કોના હિત માટે છે? આ બિલથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે? સરકાર શામાટે ઉતાવળી બની ગઈ છે? આ બિલ લોકોના હિતમાં નથી પણ સરકારના હિતમાં છે. આ બિલ કાયદો બને પછી સત્તાપક્ષ પોતાનો ભ્રષ્ટાચાર આસાનીથી ઢાંકી શકશે. સરકાર RTI હેઠળ માહિતી આપવા ઈચ્છતી નથી એટલે માહિતી કમિશ્નર તરીકે ચાપલૂસ નિવૃત અધિકારીઓની નિમણૂંક કરે છે. લોકો સત્યથી વાકેફ ન થાય તે માટે વડાપ્રધાન ગોદી મીડિયા પાસે સ્તુતિગાન કરાવે છે. હવે સત્તાપક્ષ સ્વતંત્ર મીડિયા અને સોશ્યલ મીડિયા પર નિયંત્રણ ઈચ્છે છે.
કોઈ બોલવો ન જોઈએ. વિપક્ષી નેતા સંસદમાં બોલે તો માઈક મ્યૂટ કરી દે, ભાષણના અંશ હટાવી દે, સંસદમાંથી કાઢી મૂકે. જો વિપક્ષની આવી હાલત હોય તો સત્તાપક્ષ નાગરિકોની કઈ હાલત કરે?
શું છે આ બિલમાં? ત્રણ તબક્કા છે : (1) કન્ટેન્ટ પીરસનાર સામે ફકિયાદ થાય તો તેમણે નિકાલ કરવો પડશે. (2) કન્ટેન્ટ રજૂ કરનાર નિકાલ ન કરે તો આ કાયદા હેઠળની ઓથોરિટી ફરિયાદ સાંભળશે અને દોષિત જણાય તો કન્ટેન્ટ પીરસનારને દંડ કરશે. (3) સરકારને ફરિયાદ મળે તો તેની તપાસ કરાવશે. કોમ્પ્યુટર/ લેપટોપ જપ્ત કરી શકશે. જેલમાં મોકલી શકશે ! ટૂંકમાં, કોઈ પણ અંધભક્ત ફરિયાદ કરે એટલે કન્ટેન્ટ રજૂ કરનાર પર આકાશ તૂટી પડે !
સૌથી ખતરનાક બાબત એ છે કે કન્ટેન્ટ દિવ્યાંગ લોકો સહેલાઈથી એક્સેસ કરી શકે, વાંચી શકે/ જોઈ શકે/ સાંભળી શકે તે રીતનું હોવું જોઈએ. સ્વતંત્ર મીડિયા પાસે મર્યાદિત સાધનો હોય, તેમને માટે મુશ્કેલી સર્જાશે. કોર્પોરેટ મીડિયા આ રીતે કન્ટેન્ટ આપી શકે. ટૂંકમાં સ્વતંત્ર મીડિયાનો શ્વાસ રુંધવા અને કોર્પોરેટ ગોદી મીડિયાને તગડું કરવા સરકારને એક હથિયાર મળશે !
સમાચાર એટલે? તાજેતરમાં બનેલ ઘટનાઓ અંગે લેખ/ ઓડિયો/ વિડીયો/ લાઈવ કાર્યક્રમ/ જેમાં વિશ્લેષણનો સમાવેશ થાય છે જે સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક સ્વરુપના હોય; કોઈ પણ પ્રસારિત કે પુન:પ્રસારિત કાર્યક્રમમાં પણ આ વિષયો હોય તો તેમણે સરકાર નક્કી કરે તે નિયમો પાળવા પડશે. ટૂંકમાં, લોકો કોઈ પણ જાતના અવરોધ વિના ભજન સાંભળી શકશે; પરંતુ રવિશકુમાર/ ધ્રુવ રાઠી/ વાયર/ ન્યૂઝલોન્ડરી વગેરે સ્વતંત્ર કન્ટેન્ટ આપનારને સાંભળે/ જૂએ નહીં તેવું સત્તાપક્ષ ઈચ્છે છે ! સૌથી ખતરનાક બાબત એ છે કે સરકાર સમાચાર-ઘટના ‘વિશ્લેષણ’ને પણ આ બિલ હેઠળ આવરી લેવા ઈચ્છે છે !
સરકારની આ બધી કસરત વડાપ્રધાનની નોન-બાયોલજિકલ એટલે કે અવતારીની ઈમેજમાં કોઈ ઘોબો ન પડે તે માટેની છે ! નાગરિકોએ વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ કે તેમની આંખો પર કાળી પટ્ટી બાંધવા/ કાનમાં ડુચા ભરી રાખવા/ મોઢે લોખંડી તાળા મારવાનો કાયદો બનાવ્યો નથી !rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]