RAMESH SAVANI
બળાત્કાર/ હત્યાની ઘટનાઓ અટકાવવા આપણે શું કરી શકીએ?
કોલકાતાની ‘આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ’ની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર 9 ઓગસ્ટ 2024ના રોજ બળાત્કાર થયો અને બાદમાં તેની ઘાતકી હત્યા કરવામાં આવી. આ શરમજનક ઘટના બાદ આ ઘટનાનો વિરોધ કરી રહેલાં તાલીમાર્થી ડોક્ટર્સ પર 14 ઓગસ્ટ 2024ના રોજ લગભગ 50 ઈસમોના ટોળાએ હુમલો કરી ધરણામંચ તોડી નાખ્યો અને હોસ્પિટલમાં વ્યાપક તોડફોડ કરી. જેના દેશ-વિદેશમાં ખરાબ પડઘા પડ્યા છે. રેપ/ મર્ડરની તપાસ કોલકાતા હાઈકોર્ટના આદેશ મુજબ CBI કરે છે.
આ ઘટનાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર થયો છે. પીડિતાના હોઠ, નાક, ગાલ અને માથામાં ઇજાઓના નિશાનો છે. પીડિતા સાથે બળજબરી કરવામાં આવી હતી. આ ઘટનામાં ગેંગ રેપની પણ શક્યતા છે.
ડોક્ટરોએ 15 ઓગસ્ટ 2024ના રોજ દેશવ્યાપી હડતાળ કરી હતી અને રાજધાની દિલ્હીથી માંડીને છેક ભોપાલ સુધી રસ્તાઓ જામ કરી નાખ્યાં હતા. તેમની માંગ હતી કે આરોપીઓને ફાંસીને સજા થાય અને પીડિતાને ન્યાય મળે. IMA-ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 17 ઓગસ્ટથી 24 કલાક માટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
થોડાં મુદ્દાઓ : [1] પશ્ચિમ બંગાળની સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે. શું રેપ/ મર્ડરની ઘટના બને અને તાલીમાર્થી ડોકટર્સ ચૂપ બેસી રહે તેવું સ્થાનિક સરકાર ઈચ્છતી હશે? 14 ઓગસ્ટની રાત્રે 50 ઈસમોનું ટોળું ધરણા કરી રહેલ જગ્યાએ ઘૂસી જઈ, ધરણામંચ તોડી નાખે તે શું સૂચવે છે? શું સરકારની જવાબદારી ટોળાને રોકવાની ન હતી? [2] માની લઈએ કે મુખ્યમંત્રી મમતા બેનરજીને બદનામ કરવા ટોળાએ તોડફોડ કરી, તોપણ સરકારની નિષ્ફળતા દેખાઈ આવે છે. જો ટોળાને તૃણમૂલ કોંગ્રેસના લોકોએ આયોજિત કરેલ હોય તો બહુ જ શરમજનક કહેવાય. રેપ/ મર્ડરની ઘટના વેળાએ હિંસા થાય તેની જવાબદારી સ્થાનિક સરકારની રહે છે. શરમજનક ઘટના વેળાએ હિંસા કરવાનો ઉદ્દેશ શું હોઈ શકે? મમતા બનરજીએ કહ્યું છે કે ‘ભીડ BJP અને વામદળોના સમર્થકોની હતી.’ જ્યારે BJPના MLA શુભેંદુ અધિકારીએ કહ્યું છે કે ‘ભીડમાં તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ હતા !’ તોડફોડ કરનારા કોણ હતા તે પોલીસ બતાવતી નથી એટલે દાળમાં કાળું જરુર છે ! [3] આવી ઘટનાઓ વેળાએ રાજકીય પક્ષો રોટલાં શેકે તે પણ વાંધાજનક છે. મીડિયા પણ બેજવાબદાર રીપોર્ટિંગ કરે છે. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી 150 ગ્રામ semen મળ્યું તેવું મીડિયા કહે છે. દિલ્હી દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના ડો. બી. એન. મિશ્રાએ કહ્યું છે કે “રેપ કેસમાં મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે મહિલાનું uterus-યુટરસ કાઢવામાં આવે છે અને તેનું વજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાના યુટરસનું વજન 150 ગ્રામ હોય છે. મહિલાના યુટરસ/ વજાઈનામાંથી વધુમાં વધુ 10-12 મિલિ લિટર લિક્વિડ મળી શકે.” આમ સમજ્યા વિના મીડિયા ‘રજનું ગજ’ કરી લોકોને ખોટી માહિતી આપે છે. [4] કલકતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પોલીસ/ પ્રશાસન/ સરકાર પ્રત્યે અતિ નારાજગી દર્શાવી હતી અને સરકારી વકીલને કહ્યું હતું કે “તમે કોઈ પણ કારણથી CrPCની કલમ 144 લાગુ પાડી દો છો. જ્યારે આટલો હોબાળો મચી રહ્યો હતો ત્યારે તમારે એરિયાની ઘેરાબંધી કરવાની જરુર હતી.” [5] રેપ/મર્ડર તથા હોસ્પિટલમાં થયેલ તોડફોડ, આ બન્ને ઘટનાએ, મમતા બેનરજીને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. પુરુષો માટે કલંક સમાન આ ઘટનાઓ છે.
રેપ-મર્ડરની ઘટનાઓ બને ત્યારે રાજકીય પક્ષો આરોપ પ્રતિઆરોપ લગાવે અને પછી બધું નોર્મલ બની જાય. ફરી આવી ઘટના બને, વળી ઊહાપોહ થાય…15 ઓગસ્ટ 2024ના સમાચાર છે કે 30 જુલાઈની સાંજે ઉત્તરાખંડની એક ખાનગી હોસ્પિટલમાંથી એક નર્સ પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી હતી, તેની લાશ 9 દિવસ બાદ મળી હતી…14 ઓગસ્ટ 2024ના સમાચાર છે કે બિહારના મુજફ્ફરપુરના લાલૂ છાપરા ગામમાં સંજય યાદવ અને બીજા દબંગોએ એક દલિત સગીર બાળા પર બળાત્કાર કરી હત્યા કરી નાખી. બાળાના પ્રાઈવેટ પાર્ટમાં ચાકૂના 50થી વધુ ઘા કરવામાં આવ્યા હતા. બાળા 11 ઓગસ્ટથી ગૂમ હતી. મતલબ કે બાળાનું અપહરણ કરી આ પાશવી કૃત્ય કરવામાં આવ્યું હતું. આવી ક્રૂરતા આવે છે ક્યાંથી?
સૌથી મોટો સવાલ આવી ઘટનાઓ અટકાવવા આપણે શું કરવું જોઈએ? [1] સમાજના Patriarchal mindsetમાં બદલાવ કરવો પડે. યૌન છેડતીને હળવી રીતે લેવામાં આવે છે. ફિલ્મોમાં મા-બહેનની ગાળોને નોર્મલાઈઝ કરવામાં આવે છે. સત્તાપક્ષની ટ્રોસસેના/ ભક્તસેના મા-બહેનની ગાળો છૂટથી આપે છે. આ કારણે એક પ્રકારનું પ્રદૂષિત mindset બને છે અને મહિલાઓ પ્રત્યે હિંસામાં વધારો થાય છે.[2] સમાજ હંમેશા પીડિતાને દોષી માને છે. Victim blamingની માનસિકતા છોડવી પડે. લોકો દલીલ કરે છે કે રેપ એટલે થાય છે કે છોકરીઓ ટૂંકા સ્કર્ટ પહેરે છે/ બહાર ફરવા જાય છે ! નોકરી કરે છે ! પરિણામે બળાત્કારીને લાગે છે કે મારી કોઈ ભૂલ નથી, પીડિતાની જ ભૂલ છે ! [3] બળાત્કારીઓને Political Support મળે છે. લોકો માંગણી કરે છે કે બળાત્કારીને ફાંસીએ ચડાવી દેવો જોઈએ ! પરંતુ બળાત્કાર કેસમાં દોષિત ઠરેલ ગુરમીત રામરહિમને હરિયાણા વિધાનસભા ઈલેકશન પહેલા 14 ઓગસ્ટ 2024ના રોજ જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યો છે ! 20 વરસની કેદમાં તે 235 દિવસ જેલ બહાર રહ્યો છે ! બિલ્કીસ બાનોના બળાત્કારીઓને ‘સંસ્કારી’ કહીને જેલમુક્ત કર્યા અને ફૂલહારથી સન્માનિત કર્યા ! બ્રિજભૂષણસિંહ જેવા યૌન શોષણ કરનાર નેતાને ખૂલ્લેઆમ સપોર્ટ કરવામાં આવે છે. જો સત્તાપક્ષના કોઈ નેતા બળાત્કારના કેસમાં સંડોવાય તો તેના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવે છે ! બળાત્કારી આશારામને જ્યારે રાજસ્થાન પોલીસે એરેસ્ટ કરેલ ત્યારે બાબા રામદેવે/ વિશ્વ હિન્દુ પરિષદે આશારામનો બચાવ કર્યો હતો ! આશ્ચર્યની બાબત એ છે કે આપણા કોર્પોરેટ કથાકારો સદાચારનો ઉપદેશ આપતા થાકતા નથી; પરંતુ સરકાર બળાત્કારીઓને જેલમુક્ત કરે ત્યારે ચૂપ રહે છે ! દેશને મહિલાઓ માટે સુરક્ષિત કરવો હોય તો આ ત્રણ બાબતે કામ કરવું પડશે.rs