
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તે અનુસંધાનના નિયમો અને રેગ્યુલેશન્સ હેઠળ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ખાણીપીણી સામગ્રીઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાઈ માતા મંદિર પરિસરમાં આવેલી વિવિધ ખાણીપીણી દુકાનોમાંથી કુલ ૧૫ નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમજ દાંડી સ્મારક ખાતે આવેલી ખાણીપીણીની દુકાનોમાંથી કુલ ૯ નમૂનાઓ લેવામાં આવ્યા હોય, આ બંને સ્થળોએ મળીને કુલ ૨૪ નમૂનાઓની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જાહેર આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નમૂનાઓનું લેબોરેટરી વિશ્લેષણ કરવામાં આવશે. પ્રવાસીઓ અને યાત્રાળુઓને શુદ્ધ, સુરક્ષિત અને માપદંડ મુજબનું ખાદ્ય મળે તે હેતુથી વિભાગ દ્વારા સતત દેખરેખ અને નિયમિત ચેકિંગની કામગીરી ચાલુ રહેશે તેમ મદદનીશ કમિશ્નરશ્રી કચેરી ખોરાક અને ઓષધ નિયમન તંત્ર નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .






