અમદાવાદના 17 વર્ષીય ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ઓમ વ્યાસ લખી કે વાંચી શકતા નથી, પરંતુ તેમને સંસ્કૃતના 2000 જેટલા શ્લોકો કંઠસ્થ છે. આ શ્લોકોમાં સુંદરકાંડ, ભગવદ ગીતાના શ્લોકો, હનુમાન ચાલીસા, શિવમહિમ્ન સ્ત્રોત, શિવ તાંડવ, રામ રક્ષાસ્ત્રોત અને ગાયત્રી મંત્રનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે ઓમ આ શ્લોકો માત્ર સાંભળીને શીખ્યા છે.
ઓમને આધ્યાત્મિક ગીતો અને ભજનોમાં વિશેષ રુચિ છે. તેમની આ ક્ષમતાને કારણે તેમણે અત્યાર સુધીમાં અનેક શો કર્યા છે અને અનેક એવોર્ડ, મેડલ્સ અને ટ્રોફી જીતી છે. તેમના નામે લિમ્કા બુક ઓફ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ સહિત 18 રેકોર્ડ બુકમાં નામ નોંધાયું છે.
ઓમને 2017માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ મળ્યો હતો અને વડાપ્રધાન દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
26 ડિસેમ્બરના વીર બાલ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં દેશભરના 17 બાળકોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના ઓમ વ્યાસનો સમાવેશ થયો. આ સફળતા માટે ઓમ વ્યાસની સરાહના થઈ રહી છે, અને ગુજરાતના આ દીવાને દેશભરમાં ગૌરવ અપાવ્યું છે.





